Ahmedabad

VIDEO: અમદાવાદમાં એક મહિના બાદ મેઘમહેર, સિઝનનો અત્યાર સુધી 70.17 ટકા વરસાદ ખાબક્યો

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ શનિવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં 1 થી 8 મિ.મી. વરસાદ નોંધાતા નાગરિકોને ઉકળાટભર્યા વાતાવરણમાંથી રાહત મળી હતી. અત્યાર સુધીમાં સિઝનનો કુલ 25.26 ઇંચ વરસાદ નોંધાયો છે. 4 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ-ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદમાં એક મહિના બાદ મેઘમહેર, સિઝનનો અત્યાર સુધી 70.17 ટકા વરસાદ ખાબક્યો

Ahmedabad Rain: અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી વરસાદી સિસ્ટમ જાણે ગાયબ થઈ ગઈ હતી ત્યારે આજે શનિવારે(12 સપ્ટેમ્બર) સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ઉકળાટભર્યા વાતાવરણમાંથી લોકોને રાહત મળી હતી અને ઠંડક પ્રસરી હતી.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

સૌપ્રથમ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી. નરોડા, મેમ્કો, કોતરપુર, હંસપુરા, નિકોલ, ઓઢવ, રામોલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે વરસાદે પશ્ચિમ અમદાવાદ તરફ પણ દસ્તક દીધી હતી.

પશ્ચિમ વિસ્તારમાં વિશાલા, વાસણા, સરખેજ, મકરબા, શ્યામલ, રાણીપ અને નવા વાડજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

1થી 8 મિ.મી. સુધી વરસાદ

આજરોજ સાંજે 7 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 1 મિ.મી.થી લઈને 8 મિ.મી. સુધીનો વરસાદ નોંધાયો. લાંબા સમય બાદ વરસાદ પડતાં ગરમી અને ઉકળાટથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી હતી. આ સાથે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 25.26 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સિઝનના કુલ વરસાદના 70.17 ટકા જેટલો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લાંબા વિરામ બાદ અમદાવાદ શહેર સહિત 72 તાલુકામાં વરસાદ, 15 સપ્ટેમ્બર સુધી 20 જિલ્લામાં ઍલર્ટ

અમદાવાદ શહેર સહિત 72 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર સુધી 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. શનિવારે અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી સહિત 72 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ છોટા ઉદેપુર અને પંચમહાલમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે, પાકને નવજીવન મળવાની આશા છે. 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ-ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી: રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર, જાણો ક્યાં કેવો વરસાદ પડશે

ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી

ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત 20 જિલ્લામાં મેઘતાંડવની શક્યતા છે.