Ahmedabad

રેડ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી ઝાપટાં શરૂ, બે દિવસ તમામ લેક-ગાર્ડનમાં પ્રવેશ પ્રતિબંધ

By GS Team
30 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ શરૂ થયો છે. શાહીબાગ, સરખેજ, જુહાપુરા અને મકરબા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા. તંત્ર દ્વારા 2 દિવસ માટે તમામ લેક-ગાર્ડન બંધ કરાયા છે. ગ્રામ્ય પોલીસની રજાઓ રદ કરી NDRF-SDRFની ટીમો તૈનાત કરાઈ છે. AMCના અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ કરી 24 કલાક હાઈ એલર્ટ પર રખાયા છે. શાળાઓમાં 31 જુલાઈએ રજા જાહેર કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

રેડ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી ઝાપટાં શરૂ, બે દિવસ તમામ લેક-ગાર્ડનમાં પ્રવેશ પ્રતિબંધ
ફાઈલ તસવીર

Ahmedabad Rain Alert: અમદાવાદમાં હવામાન વિભાગની ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. શાહીબાગમાં ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ સરખેજ અને જુહાપુરા, મકરબામાં પણ વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે. પાલડી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ધીમી ધારે છાંટા પડવાનું શરૂ થતાં જ સ્થાનિકોને ભારે બફારા અને ઉકળાટમાંથી રાહત મળી છે.

અમદાવાદમાં તમામ લેક-ગાર્ડનમાં આગામી બે દિવસ સુધી પ્રવેશ પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી તથા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષાના હેતુથી અમદાવાદના તમામ લેક-ગાર્ડનમાં આગામી બે દિવસ માટે જાહેર જનતાનો પ્રવેશ પ્રતિબંધિત (બંધ) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આગામી બે દિવસ દરમિયાન કોઈપણ લેક-ગાર્ડનમાં મુલાકાત લેવાનો પ્રયાસ ન કરે તેમજ જાહેર કરવામાં આવેલી સૂચનાનું પાલન કરવામાં આવે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ કર્મચારીઓની રજા રદ

અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ ગ્રામ્યમાં રેડ એલર્ટને જોતાં SPએ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરીને તેમને ફિલ્ડમાં ઉતરવાનો આદેશ કર્યો છે. બાવળા, વિરમગામ અને ધોળકામાં NDRF-SDRFની 3 ટીમો તૈનાત કરાઈ છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, અફવાઓથી દૂર રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.


image.png

કયા કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ?

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત માટે આગામી 4 દિવસ આફત સમાન છે. આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ, આર્મી, નેવી અને એરફોર્સ સ્ટેન્ડબાય

રાજ્યના તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ NDRF અને SDRF ની ટીમોને ત્વરિત તૈનાત કરવા જણાવાયું છે. અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો (આર્મી, નેવી અને એરફોર્સ)ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ રદ

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયર દ્વારા સમગ્ર તંત્રને 24 કલાક હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને તમામ ઝોનમાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

શહેરમાંથી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાયા

નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીAMC કમિશનરે લોકોને આગામી 2 દિવસ સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અને શક્ય હોય ત્યાં સુધી 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવા અપીલ કરી છે. આ ઉપરાંત, લોકોને ઝાડ કે મોટા હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવાની ખાસ સૂચના આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરમાંથી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે અને લોકોને હવામાન વિભાગની આગાહી તેમજ ટ્રાફિક પોલીસના અપડેટ્સ સતત જોતા રહેવા જણાવાયું છે.

શુક્રવારે શાળાઓ અને કોલેજોમાં રજા

વિદ્યાર્થીઓની સલામતી માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે અને DEO વચ્ચેની સમીક્ષા બાદ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરની તમામ આંગણવાડીઓ, શાળાઓ અને કોલેજો સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 31 જુલાઈના રોજ રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે આંગણવાડીઓમાં સોમવાર સુધી રજા રહેશે. તમામ શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે કે આવતીકાલે શુક્રવારે શૈક્ષણિક કાર્ય સંદર્ભે કોઈ પણ વિદ્યાર્થીને સ્કૂલે બોલાવવામાં ન આવે.