Ahmedabad

કમર સુધીના પાણી, દિલમાં સંવેદના: AMC હેલ્થ ટીમે પાણીમાં પસાર થઈ હાયપરટેન્શનના દર્દીનો જીવ બચાવ્યો

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજમાં વરસાદી પાણી ભરાતા AMCના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખૂલી. અહીં કમરસમા પાણીમાં ફસાયેલા હાયપરટેન્શનના દર્દીને બચાવવા આરોગ્ય ટીમે ત્વરિત કાર્યવાહી કરી. મેડિકલ વાન ન પહોંચતા, ડોક્ટરો સહિતની ટીમે કમર સુધીના પાણીમાં ચાલીને દર્દીને સારવાર આપી. બાદમાં ટ્રેક્ટર દ્વારા દર્દીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

કમર સુધીના પાણી, દિલમાં સંવેદના: AMC હેલ્થ ટીમે પાણીમાં પસાર થઈ હાયપરટેન્શનના દર્દીનો જીવ બચાવ્યો

Ahmedabad Rain, AMC Health Team Rescue Operation Sarkhej: અમદાવાદ શહેરમાં તાજેતરમાં વરસેલા ધોધમાર વરસાદે જ્યાં એકતરફ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલી નાખી છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વરસાદી પાણીમાં ફસાયેલા નાગરિકો માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના સાઉથ-વેસ્ટ ઝોનમાં આવેલા સરખેજ વિસ્તારમાં અતિશય પાણી ભરાઈ જતાં હેલ્થ વિભાગે કમર સમા પાણીમાં ઉતરીને એક હાયપરટેન્શનના દર્દીને નવજીવન આપ્યું છે.

રેસ્ક્યૂ ઓપરેશન: જ્યારે વાન અટકી, ત્યારે નિષ્ઠા આગળ વધી

સરખેજના એપ્પલવુડ પાછળના જળબંબાકાર વાળા વિસ્તારમાં AMC હેલ્થ વિભાગની ટીમ રોગચાળો અટકાવવા માટે ક્લોરિન ટેબલેટનું વિતરણ કરી રહી હતી. આ દરમિયાન ટીમને માહિતી મળી કે, પાણીમાં ઘેરાયેલા એક ઘરમાં હાયપરટેન્શનના દર્દીની તબિયત લથડી છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર છે.

સ્થિતિની ગંભીરતા સમજીને મેલેરિયા સબ ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કર, મેડિકલ મોબાઇલ વાન અને ડૉક્ટરની ટીમ સાથે દર્દીના ઘરે પહોંચ્યા હતા.

કમર સુધીના પાણીમાં પગપાળા પહોંચ્યા ડૉક્ટર

ભારે પાણી ભરાવાને કારણે મેડિકલ મોબાઇલ વાન દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. રસ્તો સંપૂર્ણપણે તળાવમાં ફેરવાઈ ગયો હતો. જો કે, હેલ્થ ટીમે વાનને પાછળ છોડી અને ડૉક્ટર સહિત આખી ટીમ કમરથી ઉપર સુધીના પાણીમાં ચાલીને દર્દીના ઘર સુધી પહોંચી હતી.

  • ત્વરિત સારવાર: ટીમે સ્થળ પર જ દર્દીના સ્વાસ્થ્યની તપાસ કરી અને હાયપરટેન્શનની જરૂરી દવાઓ આપી.
  • ટ્રેક્ટર મારફતે સુરક્ષિત નિકાલ: દર્દીને પાણીમાંથી બહાર લાવવા માટે તાત્કાલિક ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી અને ભારે મુશ્કેલી વચ્ચે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ચોમાસાની આ વિકટ પરિસ્થિતિ વચ્ચે જનતા ભલે તંત્રના ખાડા અને પાણી ભરાવાની સમસ્યાથી આક્રોશમાં હોય, પરંતુ AMCના આ કર્મચારીઓની સમયસૂચકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાએ સાબિત કર્યું છે કે, કાગળ પરના દાવોઓથી પર જઈને જમીન પર લોકસેવા કેવી રીતે થાય.