વરસાદી સંકટ ઘેરાયું! અમદાવાદ ગ્રામ્ય પોલીસ, AMC કર્મી સહિત રાજ્યના તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Heavy Rain: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયર દ્વારા સમગ્ર તંત્રને 24 કલાક હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને તમામ ઝોનમાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ કર્મચારીઓની રજા રદ
અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ ગ્રામ્યમાં રેડ એલર્ટને જોતાં SPએ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરીને તેમને ફિલ્ડમાં ઉતરવાનો આદેશ કર્યો છે. બાવળા, વિરમગામ અને ધોળકામાં NDRF-SDRFની 3 ટીમો તૈનાત કરાઈ છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, અફવાઓથી દૂર રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
શહેરમાંથી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાયા
નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીAMC કમિશનરે લોકોને આગામી 2 દિવસ સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અને શક્ય હોય ત્યાં સુધી 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવા અપીલ કરી છે. આ ઉપરાંત, લોકોને ઝાડ કે મોટા હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવાની ખાસ સૂચના આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરમાંથી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે અને લોકોને હવામાન વિભાગની આગાહી તેમજ ટ્રાફિક પોલીસના અપડેટ્સ સતત જોતા રહેવા જણાવાયું છે.
શુક્રવારે શાળાઓ અને કોલેજોમાં રજા
વિદ્યાર્થીઓની સલામતી માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે અને DEO વચ્ચેની સમીક્ષા બાદ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરની તમામ આંગણવાડીઓ, શાળાઓ અને કોલેજો સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 31 જુલાઈના રોજ રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે આંગણવાડીઓમાં સોમવાર સુધી રજા રહેશે. તમામ શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે કે આવતીકાલે શુક્રવારે શૈક્ષણિક કાર્ય સંદર્ભે કોઈ પણ વિદ્યાર્થીને સ્કૂલે બોલાવવામાં ન આવે.
વરસાદી પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા?
વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આગોતરા આયોજનના ભાગરૂપે ગોતા-ગોધાવી કેનાલના બોપલ-ઘુમા વિસ્તારમાં ડી-સિલ્ટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, તળાવોમાં જળસ્તર નિયંત્રિત રાખવા હાઈ-કેપેસિટી પંપ દ્વારા સતત પમ્પિંગ ચાલી રહ્યું છે. જળભરાવની સંભાવના ધરાવતા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડીવોટરિંગ પંપ, મશીનરી અને ફિલ્ડ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી પાણી ભરાય તો તેનો તાત્કાલિક નિકાલ કરી શકાય. આ સાથે જ અનેક વિસ્તારોમાં જોખમી ઝાડની ડાળીઓનું ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ શાળાઓમાં આશ્રયસ્થાનો ઊભા કરવામાં આવ્યા
પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે મ્યુનિસિપલ શાળાઓમાં આશ્રયસ્થાનો ઊભા કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ અને ઝોનલ કંટ્રોલ રૂમ દ્વારા 24×7 સંકલન જાળવીને, જરૂરિયાત મુજબ સ્થળાંતર કરાયેલા લોકોને આશ્રય, ભોજન અને અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે શહેરમાં નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના નિવારી શકાય.
કયા કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ?
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત માટે આગામી 4 દિવસ આફત સમાન છે. આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ, આર્મી, નેવી અને એરફોર્સ સ્ટેન્ડબાય
સમીક્ષા બાદ પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ NDRF અને SDRF ની ટીમોને ત્વરિત તૈનાત કરવા જણાવાયું છે. અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો (આર્મી, નેવી અને એરફોર્સ)ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.









