Ahmedabad

હડકવા દિવસ : અમદાવાદમાં શ્વાન કરડવાના દરરોજના 211 કેસ, એક વર્ષમાં 29%નો વધારો

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. એક વર્ષમાં 77,019 કેસ નોંધાયા, જે દરરોજ સરેરાશ 211 લોકોને શ્વાન કરડ્યા હોવાનું દર્શાવે છે. ગત વર્ષની સરખામણીમાં આ આંકડો 29% વધુ છે. 10 કરોડના ખસીકરણ ખર્ચ છતાં સ્થિતિ યથાવત્ છે. ICMRના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે 5726 લોકો હડકવાથી મૃત્યુ પામે છે, જે સત્તાવાર આંકડાઓથી ઘણો વધારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હડકવા દિવસ : અમદાવાદમાં શ્વાન કરડવાના દરરોજના 211 કેસ, એક વર્ષમાં 29%નો વધારો

Rabies Day: અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં શ્વાન કરડવાના એક વર્ષમાં 77,019 કેસ નોંધાયા છે. આ આંકડાઓ પર નજર કરીએ તો શહેરમાં દરરોજ સરેરાશ 211 લોકો ડોગ બાઈટનો શિકાર બની રહ્યા છે. જ્યારે ગત વર્ષે આ આંકડો 60 હજાર કેસનો હતો, જે દર્શાવે છે કે માત્ર એક જ વર્ષમાં શ્વાન કરડવાના કેસમાં 29 ટકાનો મોટો વધારો થયો છે.

ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ છતાં સ્થિતિ યથાવત્

શહેરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 1.35 લાખ શ્વાનના ખસીકરણ પાછળ આશરે 10 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં ડોગ બાઈટના કેસોમાં થતો વધારો અટકવાનું નામ લઈ રહ્યો નથી અને સ્થિતિ હજુ પણ યથાવત્ છે.

હડકવા દિવસ અને વાસ્તવિક આંકડાઓ વચ્ચેનો તફાવત

દરેક વર્ષે 28 સપ્ટેમ્બરના દિવસને ‘હડકવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આઈસીએમઆર (ICMR)ની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના વર્ષ 2024ના અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે અંદાજે 5726 લોકો હડકવાથી મૃત્યુ પામે છે. જોકે, કેન્દ્ર સરકારે રજૂ કરેલા સત્તાવાર અહેવાલ મુજબ વર્ષ 2024માં સમગ્ર દેશમાંથી 54 વ્યક્તિના જ હડકવાથી મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. નિષ્ણાતોના મતે, આ બંને આંકડાઓમાં રહેલા મોટા તફાવતનું મુખ્ય કારણ હડકવાથી થતા મૃત્યુનું ‘અંડર રિપોર્ટિંગ’ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આ વાતની નોંધ લે છે કે ભારતમાં આ રોગનો વાસ્તવિક ભાર સત્તાવાર રીતે નોંધાયેલા આંકડાઓ કરતાં ઘણો વધારે હોઈ શકે છે.

અમદાવાદમાં આ વર્ષે નોંધાયેલા શ્વાન કરડવાના માસિક કેસ

જાન્યુઆરી: 8658 કેસ
ફેબ્રુઆરી: 7773 કેસ
માર્ચ: 8186 કેસ
એપ્રિલ: 7830 કેસ
મે: 7389 કેસ
જૂન: 6818 કેસ

શ્વાન કે પ્રાણી કરડે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

જો શ્વાન, બિલાડી, વાંદરો કે અન્ય કોઈ સ્તનધારી પ્રાણીના કરડવાથી/ખંજવાળવાથી અથવા તેની લાળ ઘા પર લાગવાથી જોખમ ઊભું થાય, તો ક્યારેય લક્ષણો દેખાવાની રાહ જોવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં ઘા ને તરત જ ઓછામાં ઓછા 15 મિનિટ સુધી સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોઈને તુરંત જ રેબીઝની રસી લેવી જોઈએ.

હડકવા રોગના મુખ્ય લક્ષણો

શરૂઆતમાં: આ તબક્કામાં તાવ, માથાનો દુખાવો, થાક, નબળાઈ, ગભરામણ, ચિંતા અથવા ચીડિયાપણું, ઊંઘમાં તકલીફ, ભૂખ ઓછી થવી, ઈજા પામેલા સ્થળે દુખાવો, ખંજવાળ, બળતરા કે ઝણઝણાટી જેવા લક્ષણો અનુભવાય છે.

ગંભીર સ્થિતિમાં: આ સ્થિતિ વણસે ત્યારે પાણી પીવામાં તકલીફ અને પાણીથી ગભરાટ થવો, હવા લાગવાથી ગળામાં ખેંચાણ કે તકલીફ થવી, ગળામાં ભારે મુશ્કેલી, વધુ પ્રમાણમાં લાળ પડવી, અવાજ કે પ્રકાશ પ્રત્યે અસહજતા વર્તાવી, બેચેની, ગૂંચવણ અથવા ભ્રમ થવો, આક્રમકતા કે અસામાન્ય વર્તન દેખાવું અને શરીરના કેટલાક ભાગોમાં નબળાઈ કે લકવો થવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.

અંતિમ તબક્કો: રોગના અંતિમ ચરણમાં દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે અને તે કોમામાં જતો રહે છે.

20260928-273696-1790533443.jpeg