Ahmedabad

'અમદાવાદના સરખેજમાં પ્રજાના કામ ખોરંભે..', ભાજપના જ કાઉન્સિલરે ઊઠાવ્યો અવાજ

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સરખેજ વોર્ડમાં ઈજનેરોની ઘટને કારણે પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ખોરંભે પડ્યા છે. ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેન્દ્ર શુકલે ડેપ્યુટી કમિશનરને પત્ર લખી રજૂઆત કરી કે, 33 ચોરસ કિલોમીટરના વોર્ડમાં 3 અધિકારીઓ રજા પર છે અને એક કામ કરવાની ના પાડે છે. તેમણે તાત્કાલિક સ્ટાફ પૂરો પાડી, અધૂરા કામો ઝડપથી કરાવવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમદાવાદના સરખેજમાં પ્રજાના કામ ખોરંભે..', ભાજપના જ કાઉન્સિલરે ઊઠાવ્યો અવાજ

Ahmedabad News: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાની લોકો દ્વારા કરાતી ફરિયાદો દિવસો સુધી ન ઉકેલાતી હોવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહે છે. તેવામાં હવે ઈજનેરોની ઘટથી સરખેજ વોર્ડમાં પ્રજાના કામ ખોરંભે ચડ્યાં હોવાનો પત્ર ખુદ ભાજપના જ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા નાયબ કમિશનરને લખવામાં આવ્યો છે. ભાજપના કાઉન્સિલરોએ પણ આવી રીતે લેખિત રજૂઆત કરવી પડતી હોય તો પ્રજાની કેવી હાલત હશે.

મ્યુનિ. કોર્પોરેશન તંત્રની પોલ ખોલી નાંખી

સરખેજ વોર્ડના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેન્દ્ર શુકલે ડે. કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે, સરખેજ વોર્ડમાં ઈજનેર ખાતાના ત્રણ અધિકારીઓ હાલ રજા પર છે. એક અધિકારી ચોક્કસ પ્રકારના કામ સિવાય અન્ય કામો કરવાની ના પાડે છે. આ સ્થિતિ વચ્ચે આશરે 33 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતો સરખેજ વોર્ડ કફોડી હાલતમાં મુકાઈ ગયો છે. સ્ટાફની ઘટના કારણે લોકો દ્વારા કરવામાં આવતી પ્રાથમિક સુવિધાની ફરિયાદો ઉકેલાતી નથી. ત્યારે ઓફિસમાં બેસાડી રાખેલા સક્ષમ ઈજનેરોને સરખેજ વોર્ડમાં કામગીરી સોંપીને પ્રજાના અધૂરા કામો ઝડપથી કરાવવાની રજૂઆત કરાઈ છે.

આ ઉપરાંત તાત્કાલિક અસરથી જરૂરી મહેકમ પૂરું પાડવાની પણ માંગ કરાઈ છે. આ ઉપરાંત પત્રમાં એવી પણ ટકોર કરવામાં આવી છે કે, આપણે પ્રજાના ટ્રસ્ટી છીએ, નેતાઓએ પ્રજાના સેવક તરીકે અમને મોકલ્યા છે. નબળી કામગીરી પુરવાર થાય તો અમારે સાંસદ, ધારાસભ્ય, મેયર અને મોવડી મંડળને શું જવાબ આપવાનો.