Ahmedabad

અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, આજે વિધિવત પૂજન બાદ ખલાસીઓ રથને મંદિર પરિસરમાં લાવશે

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 16મી જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે તૈયારીઓ પૂરજોશમાં છે. આજે (15મી જુલાઈ) ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના ત્રણેય રથોનું વિધિવત પૂજન કરાશે. 200થી વધુ ખલાસીઓ દ્વારા રથોને ઉત્સાહભેર ખેંચી મંદિર પરિસરમાં લવાશે. સવારે ભગવાનના સોનાવેશ દર્શન, ગજરાજ પૂજન અને રથ પ્રતિષ્ઠા કરાશે. ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, આજે વિધિવત પૂજન બાદ ખલાસીઓ રથને મંદિર પરિસરમાં લાવશે

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં અષાઢી બીજ (16મી જુલાઈ)ના દિવસે યોજાનારી 149મી રથયાત્રાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું છે. આજે (15મી જુલાઈ) જે રથોમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી નગરચર્યાએ નીકળવાના છે, તે ત્રણેય પવિત્ર રથોનું આજે વિધિવત પૂજન કરવામાં આવશે. ત્યારબાદ પરંપરાગત રીતે ખલાસીઓ દ્વારા મંદિર પરિસરમાં રથોને લાવવામાં આવશે.

વહેલી સવારથી ખલાસીઓનો ઉત્સાહ અને રથ ખેંચવાની તૈયારી

આ ધાર્મિક વિધિ માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ મંદિર પરિસરની સામે આવેલા રથ ખાના ખાતે પહોંચી ગયા હતા. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુનિયોજિત રીતે સંપન્ન થાય તે માટે રથોને અત્યંત મજબૂતીથી દોરડા વડે બાંધવામાં આવ્યા છે. અંદાજે 200થી વધુ ખલાસીઓ દ્વારા એક પછી એક ત્રણેય રથોને ઉત્સાહભેર ખેંચીને મંદિર પરિસરમાં લાવીને સ્થાપિત કરવામાં આવશે.

આજના મંગલમય કાર્યક્રમોની રૂપરેખા

•ભગવાનના સોનાવેશ દર્શન: વહેલી સવારે ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને સુવર્ણ અલંકારો એટલે કે સોનાવેશથી સુશોભિત કરવામાં આવ્યા છે.
•ગજરાજ પૂજન: રથયાત્રામાં સૌથી આગળ ચાલતા ગજરાજોની (હાથીઓની) શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવી છે.
•રથ પ્રતિષ્ઠા: સવારે મંદિરના પવિત્ર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવશે.
•રથ પૂજન અને આરતી: રથોના આગમન બાદ મંત્રોચ્ચાર સાથે વિશેષ રથ પૂજન અને મહાઆરતીનું આયોજન થશે.
•સંધ્યા આરતી: સાંજના સમયે વિશેષ પૂજા-અર્ચના અને ભવ્ય સંધ્યા આરતી કરવામાં આવશે.

રથયાત્રા પૂર્વે જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. હરિભક્તોના દર્શન અને ભજન-કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને મંગલકારી બની ગયું છે. સુરક્ષા વ્યવસ્થાથી લઈને ભક્તોની સુવિધા માટે મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપમાં છે.