Ahmedabad

અમદાવાદના પોશ વિસ્તારોમાં બે ઈંચ વરસાદમાં 3-3 ફૂટ પાણી ભરાયા, બોપલ-ઘુમામાં 5 દિવસે પણ પાણી ઉતર્યું નથી

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સોમવારે વહેલી સવારે 2 ઇંચ વરસાદથી પશ્ચિમના વિસ્તારોમાં જળબંબાકાર થયો હતો. થલતેજ, બોપલ-ઘુમા અને એસ.જી. હાઈવે પર 2-3 ફૂટ પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. બોપલ-ઘુમાની 12-15 સોસાયટીઓમાં 5 દિવસથી પાણી ભરાયેલા છે, જ્યાં લોકોને બચાવવા હોડીઓ મુકવાની ફરજ પડી હતી. રોગચાળાને કારણે અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના પોશ વિસ્તારોમાં બે ઈંચ વરસાદમાં 3-3 ફૂટ પાણી ભરાયા, બોપલ-ઘુમામાં 5 દિવસે પણ પાણી ઉતર્યું નથી

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં વરસાદે મુશ્કેલીઓ સર્જી છે. રવિવારે થોડો વિરામ લીધા બાદ સોમવારે (27મી જુલાઈ) પરોઢિયે કડાકા ભડાકા સાથે ત્રાટકેલા પોણા બેથી બે ઈંચ જેટલા અનરાધાર વરસાદે જ શહેરના પશ્ચિમ અને નવા વિકસેલા વિસ્તારોની દશા બગાડી મૂકી છે. થલતેજ, એસજી હાઈવે અને બોપલ-ઘુમા જેવા પોશ વિસ્તારોમાં ફરી બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગત ગુરુવારના ભારે વરસાદ બાદ માંડ પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી ત્યાં સોમવારના વરસાદે લોકો માટે 'પડતા પર પાટુ' જેવી સ્થિતિ સર્જી છે.

બોપલ-ઘુમામાં 15 જેટલી સોસાયટીઓ પાંચ દિવસથી પાણીમાં

બોપલ, ઘુમા, શેલા અને થલતેજના રહીશો છેલ્લા પાંચ દિવસથી ભારે લાચારીનો સામનો કરી રહ્યા છે. રવિવારે રાત સુધીમાં માંડ પાણી ઉતર્યા હતા, પરંતુ સોમવારે સવારે ફરી વરસાદ પડતાં ઘુમા સીએચસી, વસંત વિહાર, ઈસ્કોન ગ્રીન અને બોપલ ગામ તળ સહિતની 12થી 15 જેટલી સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. શેલા અને આંબલી રોડ પર તો લોકોને રેસ્ક્યુ કરવા માટે હોડીઓ મુકવાની નોબત આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યાનુસાર, આ સોસાયટીઓ મુખ્ય રોડથી અઢીથી ત્રણ ફૂટ નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી પાણીનો ઝડપી નિકાલ થતો નથી. આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં હજુ મહિનાઓ કે વર્ષોનો સમય લાગી શકે તેમ છે.

સ્ટર્લિંગ સિટીમાં દોડધામ, એસ.જી. હાઈવે પર ટ્રાફિક જામ

•સવારે 6 વાગ્યે લોકો નોકરી-ધંધે અને બાળકો શાળાએ જવા નીકળે તે જ સમયે તૂટી પડેલા ધોધમાર વરસાદથી મુશ્કેલી સર્જાઈ હતી.
•સ્ટર્લિંગ સિટી (બોપલ): સોસાયટીમાં ત્રણેક ફૂટ પાણી ભરાઈ જતાં રહીશોએ વાહનો અને ઘરવખરી બચાવવા સલામત સ્થળે દોડાદોડ કરવી પડી હતી.
•એસ.જી. હાઈવે: સોલા બ્રિજ અને થલતેજ સર્વિસ રોડ પર બેથી ત્રણ ફૂટ પાણી ભરાતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
•વાહનો બંધ પડ્યા: થલતેજ અને હેલમેટ સર્કલ પાસે અનેક ટુ-વ્હીલર્સ બંધ પડી જતાં નોકરિયાતો અટવાયા હતા. ચાંદલોડિયા અને ચાણક્યપુરીમાં લોકો કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.
•મકાન ધરાશાયી: આસ્ટોડિયાની ઢાળની પોળમાં અને માનસી સર્કલ તરફના રસ્તે જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા.

વરસાદી પાણીના ભરાવા સાથે અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દીઓનો ભરાવો

સતત વરસાદ અને ગંદકીના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે:

સોમવાર (27મી જુલાઈ): સાતેય ઝોનના હેલ્થ સેન્ટરોમાં કુલ 9,200 દર્દીઓની OPD નોંધાઈ. રવિવાર (26 જુલાઈ) OPD સંખ્યા 3,437 હતી. શુક્રવાર (24મી જુલાઈ) OPD સંખ્યા 4,993 હતી. આમ, ગત શુક્રવાર અને રવિવારની સરખામણીએ સોમવારે સરકારી હેલ્થ સેન્ટરોમાં આવતા દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે, જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.