Ahmedabad

અમદાવાદના સીજી રોડ પર પોલીસનો સપાટો: બે રાતમાં નંબર પ્લેટ વગરના અને મોડિફાઈડ વાહનો સહિત 106 વાહનો ડિટેઇન

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નવરંગપુરામાં 'શી' ટીમ અને પોલીસે બેફામ વાહન ચાલકો સામે મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી. CG રોડ અને મ્યુનિસિપલ માર્કેટ વિસ્તારમાં રાત્રે 10 થી 1 દરમિયાન 6 કલાકમાં 106 વાહનો ડિટેઇન કરાયા. નંબર પ્લેટ વગરના 21 વાહનો સહિત લાયસન્સ, દસ્તાવેજ વગરના અને મોડિફાઈડ વાહનો જપ્ત કરાયા. આ કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના સીજી રોડ પર પોલીસનો સપાટો: બે રાતમાં નંબર પ્લેટ વગરના અને મોડિફાઈડ વાહનો સહિત 106 વાહનો ડિટેઇન

Ahmedabad Police Checking CG Road : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રાત્રિના સમયે બેફામ વાહન હંકારતા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે નવરંગપુરા પોલીસ અને 'શી' ટીમ દ્વારા સીજી રોડ તથા મ્યુનિસિપલ માર્કેટ વિસ્તારમાં મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાત્રે 10 થી 1 વાગ્યા દરમિયાન સળંગ બે રાત્રિમાં માત્ર 6 કલાકના ચેકિંગમાં પોલીસે કુલ 106 વાહનો ડિટેઇન કર્યા છે.

વિવિધ વાહનો સામે કડક કાર્યવાહી

આ ખાસ ડ્રાઈવ દરમિયાન નંબર પ્લેટ વગરના 21 વાહનો ઉપરાંત લાયસન્સ કે યોગ્ય દસ્તાવેજ ન ધરાવતા તેમજ મોડિફાઈડ અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનોમાં 26 એક્સેસ, 25 બર્ગમેન, 19 એક્ટિવા, 6 બુલેટ, 3 જ્યુપિટર અને 6 ફોર-વહીલરનો સમાવેશ થાય છે. પોલીસની આ અચાનક કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ઓવરસ્પીડિંગ અને છેડતી રોકવા ખાસ આયોજન

ઝોન 1 ડીસીપીએ જણાવ્યું હતું કે, નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સીજી રોડ પર અવારનવાર ઓવરસ્પીડિંગ, મોડિફાઈડ સાયલેન્સરવાળા ટુ-વહીલર, મહિલાઓની છેડતી અને મોબાઈલ સ્નેચિંગની ફરિયાદો મળતી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને ગત શનિવાર અને રવિવારે રાત્રે 10 થી 1 વાગ્યા દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 'શી' ટીમના અધિકારીઓ સાથે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નાગરિકો માટે પોલીસની અપીલ

આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા વધુ પ્રબળ કરવાનો અને નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે વાહન ચલાવતી વખતે જરૂરી દસ્તાવેજો અને લાયસન્સ સાથે રાખવા તેમજ કોઈપણ સંજોગોમાં નિયમોનો ભંગ ન કરવો.