વડાપ્રધાન મોદીની ડિગ્રી વિવાદ: સોલિસિટર જનરલની હાઈકોર્ટમાં દલીલ- 'જિજ્ઞાસા સંતોષવા RTIથી માહિતી ન માગી શકાય'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Degree Controversy Gujarat High Court Hearing: વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવાના બહુચર્ચિત અને વિવાદાસ્પદ કેસમાં હાઇકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ભારત સરકારના સોલિસિટર જનરલ વર્ચ્યુઅલ મોડ પર કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલનો ડિગ્રી જાહેર કરવા પાછળનો હેતુ યોગ્ય નહોતો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન(RTI) ઍક્ટ હેઠળ કયા કારણોસર માહિતી માંગવામાં આવી રહી છે તેની યોગ્ય ચકાસણી થવી જરૂરી છે.
સોલિસિટર જનરલની હાઇકોર્ટમાં દલીલ
સોલિસિટર જનરલે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની માહિતી એકત્રિત કરવા માટે યુનિવર્સિટીના 70%થી વધુ સ્ટાફે પોતાનું નિયમિત કામ છોડીને સમય ફાળવવો પડે. કર્મચારીઓ પોતાની મૂળ ફરજ પડતી મૂકીને આવા કામોમાં સમય બગાડી શકે નહીં. માત્ર પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કોઈપણ વ્યક્તિ RTI હેઠળ આવી માહિતી માગી શકે નહીં. ભવિષ્યમાં સત્તાધીશો અને કોર્ટનો કિંમતી સમય ન બગડે તે માટે આવી અરજી કરનાર વ્યક્તિ સામે ભારે રકમનો દંડ ફટકારવો જોઈએ.
આ સમગ્ર મામલે હાઇકોર્ટે વધુ સુનાવણી 21 ઓક્ટોબરે મુકરર કરી છે. હવે પછીની સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ, યુનિવર્સિટી અને માહિતી આયોગ તરફથી પોતપોતાની દલીલો રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે કરેલી અરજી સામે યુનિવર્સિટી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેની સામે કેજરીવાલે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આ અરજી સંદર્ભે હાઇકોર્ટે અગાઉ કેજરીવાલને ₹25,000નો દંડ ફટકાર્યો હતો. આ દંડ સામે પણ કેજરીવાલે પુનઃ અરજી કરી હતી, જેની બાકી દલીલો હવે આવતા મહિને સાંભળવામાં આવશે.




