'સરકારી ઠરાવ કાયદાથી મોટો નથી!' જમીનને બિનખેતી ઉપયોગ માટેની પરવાનગી મામલે જામનગર કલેક્ટરને હાઈકોર્ટની આકરી ટકોર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court On Jamnagar Collector: જામનગરમાં જમીનને બિનખેતી ઉપયોગ માટેની પરવાનગી આપવાના મામલે જસ્ટિસ નિરલ મહેતાએ જામનગરના કલેક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નાગરિક અદાલતમાં જમીન અંગેનો કેસ ચાલુ હોવાના કારણે તથા જમીન અંગે વિવાદ નોંધાયેલો હોવાના આધાર પર બિનખેતી પરવાનગી નકારવામાં આવી હતી. જોકે, આ નિર્ણય કયા કાયદાની જોગવાઈ હેઠળ લેવાયો તે અંગે હાઈકોર્ટે સ્પષ્ટતા માગી હતી.
જામનગર કલેક્ટરને હાઈકોર્ટની આકરી ટકોર
7 સપ્ટેમ્બરના હાઈકોર્ટના આદેશ બાદ જામનગરના કલેક્ટરે 9 સપ્ટેમ્બરે સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં 10 માર્ચ, 2022ના સરકારના ઠરાવનો આધાર લઈને બિનખેતી પરવાનગી નકારવાના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સરકારનો ઠરાવ માત્ર વહીવટી સૂચના: હાઇકોર્ટ
હાઇકોર્ટે તેમના ચુકાદામાં ઠેરવ્યુ છે કે, સરકારનો ઠરાવ માત્ર વહીવટી સૂચના છે. કાયદાની જોગવાઈ અને અદાલત દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવેલા કાનૂની સિદ્ધાંતો કરતાં આવા સરકારી ઠરાવને ઊંચું સ્થાન આપી શકાય નહીં. કલેક્ટરે રજૂ કરેલા સોગંદનામામાં આ મુદ્દે અદાલતે અગાઉ નક્કી કરેલી કાયદાની સ્થિતિ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આ કાનૂની સ્થિતિને નિર્ણય લેતી વખતે ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં તેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ વલણ પ્રથમ દ્રષ્ટિએ અદાલતના તિરસ્કાર સમાન હોવાનું જણાવી હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. જોકે, આગળની કાર્યવાહી કરતાં પહેલાં મહેસૂલ વિભાગના સર્વોચ્ચ અધિકારીનું ધ્યાન દોરવું યોગ્ય ગણાવ્યું છે.
આ પણ વાંચો: ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીની જાહેરાત: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ જાહેર થશે પરિણામ
હાઈકોર્ટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવને સમગ્ર મામલે હસ્તક્ષેપ કરી બિનખેતી પરવાનગીની અરજીઓ અંગે અધિકારીઓ કેવી રીતે નિર્ણય લે છે તેની તપાસ કરવા જણાવ્યું છે. કાયદાની જોગવાઈ અને અદાલતના ચુકાદાનું પાલન થાય અને સરકારી ઠરાવના આધારે કાયદાની સ્થિતિને અવગણવામાં ન આવે તે માટે જરૂરી પગલાં સૂચવવા પણ જણાવ્યું છે. કેસની વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરે થશે.




