Ahmedabad

અમદાવાદ: 25 વર્ષ ચાલવાની મશીનરી 16 વર્ષમાં ખલાસ, પીરાણા STPમાં હવે 12 કરોડનો ખર્ચ કોર્પોરેશનના માથે

By GS Team
27 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના પીરાણા ખાતેના 180 MLD STPના પમ્પિંગ સ્ટેશનની 25 વર્ષની મશીનરી કેમિકલયુક્ત પાણીથી માત્ર 16 વર્ષમાં જ ખવાઈ ગઈ. દાણીલીમડા, બહેરામપુરા અને નારોલ સહિત પૂર્વ પટ્ટામાંથી આવતા કેમિકલયુક્ત પાણીને કારણે આ નુકસાન થયું છે. આ મશીનરી બદલવા માટે કોર્પોરેશનને અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: 25 વર્ષ ચાલવાની મશીનરી 16 વર્ષમાં ખલાસ, પીરાણા STPમાં હવે 12 કરોડનો ખર્ચ કોર્પોરેશનના માથે

Ahmedabad Pirana: અમદાવાદના પૂર્વ પટ્ટામાંથી કોર્પોરેશનની ગટર લાઇનમાં આવતું કેમિકલયુક્ત પાણી હવે કોર્પોરેશન માટે મોટું આર્થિક નુકસાન ઊભું કરી રહ્યું છે. પીરાણા ખાતેના 180 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પમ્પિંગ સ્ટેશનની 25 વર્ષ ચાલે તેવી મશીનરી માત્ર 16 વર્ષમાં જ ખલાસ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. મશીનરીને થયેલા નુકસાનને કારણે હવે તેને બદલવા માટે અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશનના માથે આવશે.

મળતી માહિતી મુજબ, દાણીલીમડા, બહેરામપુરા અને નારોલ સહિત પૂર્વ પટ્ટાના વિસ્તારોમાંથી આવતી ગટર લાઇનમાં કેમિકલયુક્ત પાણી ભળે છે. આ ઉપરાંત મધ્ય ઝોનના શાહપુર-દૂધેશ્વર વિસ્તાર તેમજ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના કેટલાક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી પણ ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી ગટર લાઇનમાં છોડવામાં આવે છે. આ પ્રકારનું પાણી લાંબા સમયથી ગટર વ્યવસ્થામાં પહોંચતું હોવાથી તેની અસર STPની મશીનરી પર પડી હોવાનું સૂત્રોનું કહેવું છે.

25 વર્ષની મશીનરી 16 વર્ષમાં જ ખલાસ થઈ ગઈ

પીરાણા ખાતેના 180 MLD STPના પમ્પિંગ સ્ટેશનમાં લગાવવામાં આવેલી મશીનરીની સામાન્ય આયુષ્ય આશરે 25 વર્ષ હોવાનું જણાવવામાં આવે છે. જોકે, કેમિકલયુક્ત પાણીની અસરને કારણે આ મશીનરી માત્ર 15 વર્ષમાં જ ખલાસ થઈ ગઈ હોવાનું સૂત્રોનું કહેવું છે.

મશીનરીમાં કેમિકલની અસરથી કાટ લાગવા અને અન્ય નુકસાનના કારણે હવે તેને બદલવાની જરૂર પડી છે. પરિણામે અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશનને કરવો પડશે. એટલે કે કેમિકલયુક્ત પાણીના નિકાલ પર અસરકારક નિયંત્રણ ન રહેવાના કારણે થયેલા નુકસાનનો આર્થિક બોજો જાહેર તિજોરી પર પડવાની સ્થિતિ ઊભી થઈ છે.

155 MLD STPની મશીનરી પણ બદલાશે

180 MLD STPની મશીનરી બદલવાની કામગીરી પૂર્ણ થયા બાદ પીરાણા ખાતેના 155 MLD STPના પમ્પિંગ સ્ટેશનની મશીનરી પણ બદલવાની જરૂરિયાત હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત વાસણા STPના પમ્પિંગ સ્ટેશનની મશીનરી પણ અગાઉ બદલવી પડી હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં વિંઝોલ ખાતે કેમિકલયુક્ત પાણીની અસરથી નુકસાન પામેલી પમ્પિંગ મશીનરી બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

સાબરમતી પ્રદૂષણ બાદ કાર્યવાહી તેજ થઈ હતી

શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાંથી કેમિકલયુક્ત પાણીના નિકાલનો મુદ્દો અગાઉ સાબરમતી નદીના પ્રદૂષણ સાથે પણ જોડાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, એક તરફ ગેરકાયદે જોડાણો મારફતે કેમિકલયુક્ત પાણી કોર્પોરેશનની ગટર લાઇનમાં છોડવામાં આવતું હતું, જ્યારે બીજી તરફ વાસણા બેરેજ બાદ ખાનગી મોટી ગટર લાઇન મારફતે સીધું નદીમાં પાણી છોડવામાં આવતું હોવાની બાબતો સામે આવી હતી. સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટની કડક કાર્યવાહી બાદ GPCB અને કોર્પોરેશનના ઇજનેર વિભાગે ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ ફેક્ટરીઓ દ્વારા પોતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરીને છોડવામાં આવતું હોવાનું રેકોર્ડ પર દર્શાવવામાં આવે છે.

ગટરમાં કેમિકલ રોકવાની વ્યવસ્થા સામે સવાલ

કેમિકલયુક્ત પાણી ગટર લાઇનમાં ન પહોંચે અને ઔદ્યોગિક એકમો પાણી ટ્રીટ કર્યા બાદ જ તેનો નિકાલ કરે તે માટે GPCB તેમજ કોર્પોરેશનના સંબંધિત ઇજનેર વિભાગની દેખરેખ જરૂરી છે. તેમ છતાં જો આવા પાણીની અસરથી 25 વર્ષ ચાલવાની મશીનરી 16 વર્ષમાં જ બદલવાની નોબત આવે અને 12 કરોડ રૂપિયાનો ખર્ચ થાય, તો ગટર લાઇનમાં આવતા પાણીના મોનિટરિંગ અને ઔદ્યોગિક એકમો પરની દેખરેખ સામે સવાલ ઊભા થાય છે.