અમદાવાદમાં પેટ ડોગની નોંધણીમાં ઉદાસીનતા: દોઢ વર્ષમાં અંદાજ સામે માત્ર 40 ટકા જ રજીસ્ટ્રેશન થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Pet Dog Registration AMC : અમદાવાદ શહેરમાં અંદાજે 50,000 પેટ ડોગ હોવાનો અંદાજ છે, પરંતુ દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયા છતાં અત્યાર સુધી માત્ર 19,839 પેટ ડોગનું જ રજીસ્ટ્રેશન થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના આંકડા મુજબ 1 જાન્યુઆરી 2025 થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન 17,467 પેટ ઓનર્સ દ્વારા આ નોંધણી કરવામાં આવી છે. અંદાજિત સંખ્યા સામે માત્ર 40 ટકા જેટલું જ રજીસ્ટ્રેશન થતાં માલિકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે. હાલ પેટ ડોગના રજીસ્ટ્રેશન માટે 1 જુલાઈ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધીની મુદત નક્કી કરવામાં આવી છે.
સૌથી વધુ નોંધાયેલી બ્રીડ અને ઝોનવાઈઝ આંકડા
રજીસ્ટર્ડ પેટ ડોગમાં લેબ્રાડોર રિટ્રીવર બ્રીડ સૌથી આગળ છે. અત્યાર સુધી નોંધાયેલી મુખ્ય બ્રીડની વિગતો
લેબ્રાડોર: 3,939
જર્મન શેફર્ડ: 1,527
શિહ ત્ઝુ: 1,497
ગોલ્ડન રિટ્રીવર: 1,416
પોમેરેનિયન: 1,138
ઝોનવાઈઝ વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 5,017, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4,126, પૂર્વ ઝોનમાં 2,863 અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા 781 પેટ ડોગ નોંધાયા છે.
પેટ કેટના રજીસ્ટ્રેશનમાં પણ ઓછો પ્રતિસાદ
કોર્પોરેશને ચાલુ વર્ષથી પેટ કેટ (બિલાડી) નું રજીસ્ટ્રેશન પણ શરૂ કર્યું છે, જેમાં 5,000 જેટલી નોંધણીનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ 9 જુલાઈ થી 30 સપ્ટેમ્બર દરમિયાન માત્ર 249 માલિકોએ 317 પેટ કેટનું જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધાયેલા કેટમાંથી 121 નેટિવ અને 196 અન્ય બ્રીડનાી છે. પેટ કેટ માટે રજીસ્ટ્રેશન ફી 200 રૂપિયા રાખવામાં આવી છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો
કોર્પોરેશનની માર્ગદર્શિકા મુજબ પેટ ડોગ અને પેટ કેટનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેના માટે માલિકે આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ, લાઈટ બિલ અથવા પ્રોપર્ટી ટેક્સ બિલ, માલિક અને પેટના ફોટોગ્રાફ અને વેટરનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલ વેક્સિનેશન કાર્ડ જેવા પુરાવા રજૂ કરવાના રહે છે. ભાડાના મકાનમાં રહેતા લોકોએ ભાડા કરાર પણ રજૂ કરવાનો રહે છે.




