Ahmedabad

અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્ત લોકોને મ્યુનિસિપાલિટી ટેક્સમાં રાહત અપાશે, સરવે માટે 7 ટીમ બનાવાઈ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને AMC ટેક્સમાં રાહત આપશે. સ્થાયી સમિતિએ સાત ઝોનમાં સર્વે માટે 7 ટીમ બનાવી છે. આ ટીમો બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં નુકસાનનો અંદાજ કાઢશે, જેના આધારે ટેક્સ રાહત નક્કી થશે. આ ઉપરાંત, મ્યુનિસિપલ પ્લોટ હવેથી સંપૂર્ણ ભાડે જ મળશે, આંશિક નહીં. ભાડાની મુદત 6 મહિના અને ભાડું જંત્રીના 65% કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્ત લોકોને મ્યુનિસિપાલિટી ટેક્સમાં રાહત અપાશે, સરવે માટે 7 ટીમ બનાવાઈ

AMC Property Tax Relief: અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને સુરતની પદ્ધતિ અનુસાર સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા પણ હવે અસરગ્રસ્ત લોકોને ટેક્સમાં રાહત આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જેના માટે આજે સ્થાયી સમિતિ દ્વારા સાત ઝોનમાં સર્વે માટે સાત ટીમની રચના કરવામાં આવી છે. આ સિવાય મ્યુનિસિપલના પ્લોટ ભાડે આપવા બાબતે પણ નવા કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલના પ્લોટ આખો જ ભાડે મળી શકશે, આંશિક નહીં અપાય

અમદાવાદ શહેરમાં બોપલ, ઘુમા, શીલા, મકરબા, થલતેજ સહિતના વિસ્તારોમાં વેપારી અને લોકોને ગત સપ્તાહના વરસાદ દરમિયાન મોટી નુકસાની સહન કરવી પડી છે. આ અંગેનો સર્વે કરવા માટે સાત ઝોનની સાત કમિટીની રચના કરવાનો નિર્ણય સ્થાયી સમિતિએ લીધો છે. ત્રણ સભ્યોની આ કમિટી લોકોને કેવું અને કેટલું નુકસાન થયું છે? તેનો સર્વે કરશે. બાદમાં આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. ત્યાર બાદ ટેક્સમાં કેટલા સમયની અને કેટલા ટકાની રાહત આપવી તેની ગણતરી અને નિર્ણય કરવામાં આવશે, તેમ સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે. આ સિવાય મ્યુનિસિપલના પ્લોટ ભાડે આપવામાં પણ અગત્યનો નિર્ણય કરાયો છે.

શહેરમાં મ્યુનિસિપલના સાડા છસોથી વધારે પ્લોટ ભાડે અપાયેલા છે. મોટાભાગના કિસ્સામાં પ્લોટનો અમુક ભાગ ભાડે રાખીને બાદમાં આખા પ્લોટનો ઉપયોગ કરાતો હોય છે. એટલે ઓછા ભાડામાં આખો પ્લોટ વાપરવામાં આવે છે. ત્યારે હવેથી કોઈ પણ વ્યક્તિએ આખો પ્લોટ ભાડે રાખવો પડશે, પ્લોટનો આંશિક ભાગ ભાડે આપવામાં આવશે નહીં. તેમજ ભાડાની મુદત છ મહિના નિયત કરવામાં આવી છે. આ સિવાય પ્લોટના ભાડાની રકમ જંત્રીના 50 ટાકામાંથી વધારી 65 ટકા કરવામાં આવી છે. જેનાથી ખોટું થતું અટકશે અને મ્યુનિસિપલની આવકમાં વધારો થશે. અબલત, આ તમામ બાબત કમર્શિયલ ધોરણે ભાડે રાખવામાં આવતા પ્લોટ માટે જ લાગુ પડશે.

ચંડોળા તળાવમાં મકાન મેળવવા માટે 413 લોકો જ લાયક, મામલો સરકારમાં

ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન વખતે અસરગ્રસ્તોને આવાસ આપવાની રજૂઆતો થઈ હતી. જેના આધારે ફોર્મ ભરવામાં આવ્યા હતા. કુલ 2231 ફોર્મ ભરાયા હતા. આ પૈકી માત્ર 413 લોકો જ બે પ્રકારના જરૂરી પુરાવા રજૂ કરી શક્યા છે. 800 લોકોએ એક જ પુરાવો આપ્યો છે, બાકીના લોકોએ કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આ આખી જમીન સરકાર હસ્તક હોવાથી સમગ્ર પ્રકરણ સરકારમાં મોકલાયું છે.