Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર સતત ત્રીજા મહિને મુસાફરો ઘટ્યા, કાર્ગો મૂવમેન્ટમાં 9.9 ટકાનો ઉછાળો

By GS Team
1 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓગસ્ટ મહિનામાં મુસાફરોની અવરજવરમાં 17.2%નો ઘટાડો નોંધાયો છે. કુલ 8.78 લાખ પ્રવાસીઓ નોંધાયા, જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મુસાફરો ઘટ્યા. પરિણામે, વિમાનોની અવરજવર પણ 16.6% ઘટી. જોકે, કાર્ગો-ફ્રેટ મૂવમેન્ટમાં 9.9%નો વધારો જોવા મળ્યો, જે એરપોર્ટ માટે સકારાત્મક સંકેત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર સતત ત્રીજા મહિને મુસાફરો ઘટ્યા, કાર્ગો મૂવમેન્ટમાં 9.9 ટકાનો ઉછાળો

Ahmedabad Airport Passenger Traffic: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા પ્રવાસીઓની સંખ્યામાં જૂન અને જુલાઈ બાદ સતત ત્રીજા મહિને એટલે કે ઓગસ્ટમાં પણ ઘટાડો નોંધાયો છે. સ્થાનિક (ડોમેસ્ટિક) અને આંતરરાષ્ટ્રીય (ઈન્ટરનેશનલ) બંને સેગમેન્ટમાં મુસાફરો ઘટવાની સીધી અસર વિમાનોની અવરજવર (એરક્રાફ્ટ મૂવમેન્ટ) પર પણ પડી છે. જોકે, પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડા વચ્ચે એરપોર્ટ પરથી માલસામાનની હેરફેર એટલે કે કાર્ગો-ફ્રેટ મૂવમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

ઓગસ્ટમાં 8.78 લાખ મુસાફરો નોંધાયા, 17.2 ટકાનો ઘટાડો

એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડા અનુસાર ઓગસ્ટ 2026માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 8.78 લાખ મુસાફરોએ અવરજવર કરી હતી, જે ઓગસ્ટ 2025ના 10.60 લાખ પ્રવાસીઓની સરખામણીએ 17.2 ટકા ઓછી છે.

•આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ: ઓગસ્ટ 2026માં 1.59 લાખ મુસાફરો નોંધાયા, જે ગત વર્ષના 1.90 લાખ સામે 16.3 ટકાનો ઘટાડો દર્શાવે છે.
•ડોમેસ્ટિક પ્રવાસીઓ: ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા ઓગસ્ટ 2025માં 8.69 લાખથી ઘટીને 2026માં 7.18 લાખ થઈ છે, જેમાં 17.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.
•એપ્રિલથી ઓગસ્ટનો ટ્રેન્ડ: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન કુલ 53.29 લાખ મુસાફરો નોંધાયા છે, જે ગત વર્ષના આ જ સમયગાળાના 55.76 લાખ સામે 4.4 ટકા ઓછા છે.

એરક્રાફ્ટ મૂવમેન્ટમાં 16.6 ટકાનો ઘટાડો

મુસાફરો ઘટવા સાથે એરલાઇન્સે ફ્લાઇટ્સ ઓછી કરતાં વિમાનોની અવરજવરમાં પણ ઘટાડો થયો છે. ઓગસ્ટ 2026માં આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ મૂવમેન્ટ 23.9 ટકા ઘટીને ઓગસ્ટ 2026માં 1,059ની સામે ગત વર્ષે 1,392 એરક્રાફ્ટ અને સ્થાનિક એરક્રાફ્ટ મૂવમેન્ટ 15.1 ટકા ઘટીને ઓગસ્ટ 2026માં 5,676ની સામે ગત વર્ષે 6,686 એરક્રાફ્ટ મુવમેન્ટ નોંધાઈ હતી. આમ કુલ ફ્લાઇટ મૂવમેન્ટમાં વાર્ષિક 16.6 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન વિમાનોની કુલ અવરજવર 42,267થી ઘટીને આ વર્ષે 38,052 એરક્રાફ્ટ થતા 10.0 ટકા નો ઘટાડો થયો છે.

ફ્રેટ મુવમેન્ટમાં તેજી: એપ્રિલ-ઓગસ્ટમાં કાર્ગો 19.3 ટકા વધ્યો

પેસેન્જર સેગમેન્ટમાં નરમાઈ વચ્ચે કાર્ગો મુવમેન્ટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.

•ઓગસ્ટ 2026માં ઇન્ટરનેશનલ ફ્રેટ 11.4 ટકા વધીને 6,786.8 મેટ્રિક ટન અને ડોમેસ્ટિક ફ્રેટ 8.2 ટકા વધીને 6,207.0 મેટ્રિક ટન નોંધાયું છે (કુલ 9.9 ટકા વૃદ્ધિ).
•એપ્રિલથી ઓગસ્ટ 2026ના ગાળામાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 64,032.9 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ થયો છે, જે ગત વર્ષના 53,695.6 મેટ્રિક ટનની તુલનાએ 19.3 ટકાનો મોટો વધારો દર્શાવે છે.

પેસેન્જર ટ્રાફિક અને એરક્રાફ્ટ મૂવમેન્ટની સ્થિતિ

•ઈન્ટરનેશનલ પેસેન્જર: 1.90 લાખ (ઓગસ્ટ 2025), 1.59 લાખ (ઓગસ્ટ 2026), -16.3% ફેરફાર
•ડોમેસ્ટિક પેસેન્જર: 8.69 લાખ (ઓગસ્ટ 2025), 7.18 લાખ (ઓગસ્ટ 2026), -17.4% ફેરફાર
•કુલ પેસેન્જર: 10.60 લાખ (ઓગસ્ટ 2025), 8.78 લાખ (ઓગસ્ટ 2026), -17.2% ફેરફાર
•ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ: 1,392 (ઓગસ્ટ 2025), 1,059 (ઓગસ્ટ 2026), -23.9% ફેરફાર
•ડોમેસ્ટિક એરક્રાફ્ટ: 6,686 (ઓગસ્ટ 2025), 5,676(ઓગસ્ટ 2026), -15.1% ફેરફાર
•કુલ ફ્રેટ મુવમેન્ટ 11,825.9 MT (ઓગસ્ટ 2025), 12,993.8 MT (ઓગસ્ટ 2025), +9.9% ફેરફાર

મુસાફરો ઘટવા પાછળનાં મુખ્ય પરિબળો

•ઑફ-સિઝન અને નબળો સેન્ટિમેન્ટ: જૂન, જુલાઈ અને ઓગસ્ટ પરંપરાગત રીતે ટ્રાવેલ ઉદ્યોગ માટે 'લીન પિરિયડ' ગણાય છે. આ સમયગાળામાં સામાન્ય રીતે કોર્પોરેટ અને લેઝર ટ્રાવેલ ઘટે છે.
•ઊંચાં હવાઈ ભાડાં: એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ઊંચા ભાવોને પગલે ટિકિટના દરો ઊંચા રહેતાં પ્રવાસીઓ બિનજરૂરી પ્રવાસ ટાળી રહ્યા છે.
•ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં ઘટાડો: અગાઉના વર્ષની તુલનાએ જૂનમાં અમદાવાદથી સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 111નો ઘટાડો થતાં મુસાફરો માટે વિકલ્પો સીમિત બન્યા છે.
•ભૌગોલિક-રાજકીય તણાવ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલીને કારણે કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાયાં હોવાની અસર પણ ટ્રાફિક પર પડી છે.