Ahmedabad

માણેકચોકમાંથી મોકલેલા 12 લાખના દાગીનાનાં પાર્સલ ન પહોંચ્યા: આંગડિયા પેઢી તાળું મારી ફરાર

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના માણેકચોકમાં જય રણછોડ એન્ડ કુ. આંગડિયા પેઢી 3 સોની વેપારીઓના 78.52 ગ્રામ સોનાના દાગીના ભરેલા 6 પાર્સલ લઈને ફરાર થઈ ગઈ છે. મૌલિક સોની, મૈનાક જૈન અને ભાવેશ ઘાંચીના કુલ 12,02,374 રૂપિયાના દાગીના ગાયબ થયા છે. 23 અને 27 જૂને ભરૂચ, કાલોલ અને પાદરા મોકલવાના પાર્સલ સમયસર ન પહોંચતા ઓફિસ બંધ જણાઈ. ખાડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માણેકચોકમાંથી મોકલેલા 12 લાખના દાગીનાનાં પાર્સલ ન પહોંચ્યા: આંગડિયા પેઢી તાળું મારી ફરાર

Manekchowk Angadiya Fraud : અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી જય રણછોડ એન્ડ કુ. નામની આંગડિયા પેઢી ત્રણ સોની વેપારીઓના કુલ 78.52 ગ્રામ સોનાના દાગીના ભરેલા છ પાર્સલ લઈને ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વેપારીઓએ ખાડિયા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

શું છે સમગ્ર ઘટના?

માણેકચોકમાં શ્રીજી ઓર્નામેન્ટ નામની દુકાન ધરાવતા મૌલિકભાઈ હસમુખભાઈ સોનીએ પોતાના વેપારીઓને મોકલવા માટે જય રણછોડ એન્ડ કુ. આંગડિયા પેઢીમાં સોનાના દાગીનાના પાર્સલ જમા કરાવ્યા હતા. ગત 23 જૂને 10.340 ગ્રામ અને 27 જૂને 17.510 ગ્રામ સોનાના દાગીનાના પાર્સલ ભરૂચ મોકલવા માટે આપવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત 4,36,410 રૂપિયા હતી. સમયસર પાર્સલ ન પહોંચતા મૌલિકભાઈએ આંગડિયા પેઢીની માણેકચોક ઓફિસે તપાસ કરી હતી, જ્યાં ઓફિસ બંધ અને તાળાબંધ હાલતમાં જોવા મળી હતી. પેઢીના સંચાલકોનો સંપર્ક ન થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

અન્ય વેપારીઓના પણ લાખોના દાગીના ગાયબ

ફરીયાદી મૌલિકભાઈના મિત્ર મૈનાક મહાવિરકુમાર જૈને કાલોલ અને પાદરા મોકલવા માટે આપેલા બે પાર્સલ (કિંમત 5,45,964 રૂપિયા) તેમજ રત્નદીપ ગોલ્ડના માલિક ભાવેશભાઈ ઘાંચીએ પાદરા મોકલવા માટે આપેલા બે પાર્સલ (કિંમત 2,20,000 રૂપિયા) પણ વેપારીઓને મળ્યા નહોતા. આમ, ત્રણેય વેપારીઓના કુલ 78.520 ગ્રામ સોનાના દાગીના ભરેલા 6 પાર્સલ, જેની કુલ કિંમત 12,02,374 રૂપિયા થાય છે, તે સેરવીને આંગડિયા પેઢીના સંચાલકો ફરાર થઈ ગયા છે. ખાડિયા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.