Ahmedabad

અમદાવાદના તમામ 48 વોર્ડમાં હવે ઓફલાઈન લગ્ન નોંધણી બંધ, 1 ઓગસ્ટથી ઓનલાઇન પોર્ટલ શરૂ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી માત્ર ઓનલાઈન જ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 48 વોર્ડમાં ઓફલાઈન નોંધણી બંધ કરી દેવાઈ છે. હવે વેબસાઈટ પરથી ફોર્મ ભરી, દસ્તાવેજો અપલોડ કરવા પડશે. દસ્તાવેજ ચકાસણી બાદ દંપતીએ સહી અને ફી માટે ઓફિસ જવું પડશે. વર્ષે 35 હજારથી વધુ લગ્નો નોંધાતા હોઈ, આ નિર્ણયથી નાગરિકોમાં રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના તમામ 48 વોર્ડમાં હવે ઓફલાઈન લગ્ન નોંધણી બંધ, 1 ઓગસ્ટથી ઓનલાઇન પોર્ટલ શરૂ

Offline Marriage Registration Closed in Ahmedabad: અમદાવાદ શહેરમાં અત્યાર સુધી દરેક વોર્ડમાં લગ્ન નોંધણી કરાવી શકાતી હતી. પરંતુ હવે 48 વોર્ડની એકેય કચેરીમાં લોકો ઓફલાઈન લગ્ન નોંધણી કરાવી શકશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા પહેલી ઓગસ્ટથી લગ્ન નોંધણી માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે. જો કે, તેની સામે ઓફલાઈન નોંધણી સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય શહેરીજનોને ગળે ઉતરતો નથી.

લગ્ન નોંધણી માટે કચેરીએ જવું જ પડશે

અમદાવાદ શહેરમાં દર વર્ષે 35 હજારથી વધુ લગ્નોની નોંધણી કરાય છે. અત્યાર સુધી દરેક વોર્ડના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા જન્મ-મરણ અને લગ્ન નોંધણી કેન્દ્રમાં નવદંપતીઓ રજિસ્ટ્રેશન કરાવતા હતા. જો કે પહેલી ઓગસ્ટથી આ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. તેની સામે લગ્ન નોંધણી માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે. એટલે હવે મ્યુનિસિપલની વેબસાઈટ પરથી ફોર્મ મેળવી પુરાવા તરીકે જરૂરી દસ્તાવેજો ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે.

સંબંધિત કચેરી દ્વારા દસ્તાવેજો વેરિફાય કર્યા બાદ જો કોઈ વાંધો ન હોય તો દંપતીએ વોર્ડની રજિસ્ટ્રેશન ઓફિસે જઈ સહી કરી, ફી ભરીને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. જેના માટે તેઓ તેમની અનુકૂળતા પ્રમાણે કચેરીએ જવાનો સ્લોટ બૂક કરી શકશે. એટલે છેલ્લે એક વખત તો કચેરીએ ધક્કો ખાવો જ પડશે. લોકોને ઓનલાઈન સુવિધાઓ અપાય તે સારી બાબત છે. પરંતુ તેની સામે ઓફલાઈન સુવિધાઓ સાવ બંધ કરી દેવાય તે બાબત કેટલી યોગ્ય છે? તેવો પ્રશ્ન ઉઠ્યો છે. ડિજિટલ ગેપના લીધે દરેક વ્યક્તિ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કરવા સક્ષમ ન હોય તેમને નાછૂટકે વધારેના પૈસા ચૂકવી એજન્ટ પાસેથી નોંધણી કરાવવી પડશે.