Ahmedabad

નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માગ સાથે દેખાવો, જંતર-મંતર જેવા આંદોલનની NSUIની ચીમકી

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર ડો. એચ. કે. પટેલ દ્વારા વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવવાનો વીડિયો વાયરલ થતા NSUIએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પ્રશાસન દ્વારા કમિટી રચવાની વાત સામે NSUIએ નારાજગી વ્યક્ત કરી હતી. જો પ્રોફેસરને તાત્કાલિક સસ્પેન્ડ નહીં કરાય તો જંતર-મંતર જેવા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માગ સાથે દેખાવો, જંતર-મંતર જેવા આંદોલનની NSUIની ચીમકી

NSUI Protests at Nirma University: અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલ દ્વારા વિદ્યાર્થીનો કોલર પકડીને ધમકાવવાની ઘટના અને ત્યારબાદ તેમના વાઈરલ થયેલા વીડિયોને પગલે ભારે વિવાદ સર્જાયો છે. પ્રોફેસરના આ અયોગ્ય વર્તનને લઈને આજે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા)ના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી તંત્ર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. પ્રશાસન દ્વારા માત્ર કમિટી બનાવવાની વાત સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં NSUIએ ચીમકી આપી છે કે જો પ્રોફેસર સામે ત્વરિત સસ્પેન્શનની કાર્યવાહી નહીં થાય તો યુનિવર્સિટી ખાતે જંતર-મંતર જેવું ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સ્ટેજ પર બોલાવી વિદ્યાર્થીનો કોલર પકડ્યો હતો

મળતી માહિતી અનુસાર, તાજેતરમાં નિરમા યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વિદ્યાર્થીએ કરેલી ટિપ્પણીથી નારાજ થઈને પ્રોફેસરે તેને પોતાનું અપમાન ગણાવ્યું હતું. ઉશ્કેરાયેલા પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી જાહેર સ્ટેજ પર જ તેનો કોલર પકડીને ધમકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ વિદ્યાર્થી આલમ અને વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

કમિટી રચવાને બદલે સીધા સસ્પેન્શનની માંગ

આ દરમિયાન NSUIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'વીડિયો સામે હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન અને વાઈસ ચાન્સલર માત્ર કમિટી બનાવવાની વાતો કરીને સમય વિતાવી રહ્યા છે. આ પ્રોફેસરે ફરી વીડિયો મૂકીને દાદાગીરી બતાવી છે. વિદ્યાર્થીઓના પિતાના પૈસા અને ફીથી આ યુનિવર્સિટી ચાલે છે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે બનાવાઈ છે નહીં કે પૈસા કમાવા માટે. તેથી પ્રોફેસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.'

દિલ્હીના જંતર-મંતર જેવા આંદોલનની ચીમકી

NSUIએ યુનિવર્સિટી પ્રશાસનને સ્પષ્ટ અલ્ટીમેટમ આપતાં ચેતવણી આપી છે કે જો પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો જે રીતે દિલ્હીમાં જંતર-મંતર પર આંદોલન કરાયું હતું તે જ તર્જ પર યુનિવર્સિટી કેમ્પસમાં દેખાવો ચાલુ રાખવામાં આવશે. જ્યાં સુધી પ્રોફેસરનું સસ્પેન્શન નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી સંગઠન લડત ચાલુ રાખશે.