Ahmedabad

હવે સોના-ચાંદીના ઘરેણાં મોંઘા થઈ શકે! ગુજરાતમાં 6 લાખ કારીગરોએ મજૂરીમાં વધારો માગ્યો

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
બંગાળી કારીગરો, જે સોના-ચાંદીના ઘરેણાં બનાવવામાં નિપુણ છે, તેઓ હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત લગભગ 6 લાખ કારીગરોને મજૂરી 8%થી ઘટીને માત્ર 2% મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કારીગરો દ્વારા વેપારીઓ પાસે મજૂરી વધારીને 4% કરવાની માંગ કરાઈ છે, જ્યારે વેપારીઓ ગ્રાહકો પાસેથી 10-18% વસૂલે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે સોના-ચાંદીના ઘરેણાં મોંઘા થઈ શકે! ગુજરાતમાં 6 લાખ કારીગરોએ મજૂરીમાં વધારો માગ્યો
IMAGE - IANS

Bengali gold artisans Gujarat: સોના-ચાંદીના ઘરેણાં બનાવવાની કલામાં બંગાળી કારીગરો નિપુણ ગણાય છે, પરંતુ વધતી મોંઘવારીના કારણે તેઓ ભારે આર્થિક ભીંસમાં મુકાયા છે. મજૂરી ઘટીને માત્ર 2 ટકા થઈ જવાથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, જેના પગલે કારીગરો દ્વારા વેપારીઓ પાસે મજૂરી વધારીને 4 ટકા કરી આપવાની અપીલ કરવામાં આવી છે.

બંગાળી કારીગરોની આર્થિક ભીંસ અને મજૂરીમાં ઘટાડો

સોના-ચાંદીના ઘરેણાં બનાવવામાં કુશળ એવા બંગાળી કારીગરો આજની મોંઘવારીના કારણે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે તેમને ઘરેણાં ઘડતરની મજૂરી પેટે 8 ટકા સુધીનું મહેનતાણું મળતું હતું, જે હવે ઘટીને માત્ર 2 ટકા જેટલું થઈ ગયું છે. આટલી ઓછી આવકમાં ઘર ચલાવવું અને બાળકોને શિક્ષણ અપાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે.

ગુજરાતમાં અંદાજે છ લાખ કારીગરો કાર્યરત

અમદાવાદના કોટ વિસ્તાર અને ખાસ કરીને ખાડિયામાં ઘરેણાં બનાવવાનું કામ મોટા પ્રમાણમાં ચાલે છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરો અને નાના સેન્ટરોમાં કુલ મળીને આશરે છ લાખ જેટલા બંગાળી કારીગરો ઘરેણાં બનાવવાની કામગીરી સાથે જોડાયેલા છે.

સમસ્ત બંગાળી સમાજ અસોસિએશનની રજૂઆત

અમદાવાદના સમસ્ત બંગાળી સમાજ અસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં 100 ગ્રામ સોનાના ઘરેણાં તૈયાર કરવા પર (જેની કિંમત આશરે 15 લાખ રૂપિયા હોય) કારીગરોને 2 ટકા લેખે માત્ર 30,000 રૂપિયા મજૂરી મળે છે. આ રકમમાંથી કારીગરે પોતાના કામદારોના પગાર, ગેસનો ખર્ચ, દુકાનનું ભાડું અને ઘરખર્ચ વગેરે તમામ ખર્ચાઓ કાઢવાના હોય છે. આજની મોંઘવારીમાં આ ખર્ચો અશક્ય બનતા ઘણા કારીગરો આ વ્યવસાય છોડી રહ્યા છે. તેથી ઘડતરની આ ટકાવારી વધારીને 4 ટકા કરી આપવામાં આવે તેવી વેપારીઓ સમક્ષ માંગણી કરાઈ છે.

વેપારીઓ ગ્રાહકો પાસેથી વસૂલે છે 10થી 18 ટકા મજૂરી

સોના, ચાંદી અને હીરાના ઘરેણાં તૈયાર કરનાર બંગાળી કારીગરોને માત્ર 2 ટકા મજૂરી આપવામાં આવે છે, જ્યારે તેની સામે સોની વેપારીઓ ગ્રાહકો પાસેથી આ જ મજૂરી પેટે 10થી 18 ટકા સુધીની તોતિંગ રકમ વસૂલ કરી રહ્યા છે.