ગમે તેટલો વરસાદ પડે તો પણ કોટ વિસ્તાર સલામત પરંતુ નવા અમદાવાદમાં પાણી જ પાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rain: અમદાવાદ ખાતે તાજેતરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને સ્થિતિ એવી છે કે હજુપણ પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરક છે. જેની સરખામણીએ અમદાવાદના કોટ વિસ્તારમાં ધોધમાર વરસાદ છતાં લાંબો સમય પાણી ભરાયેલું રહેવાની સમસ્યા ભાગ્યે જ જોવા મળે છે.
નદીના બે કાંઠા આસપાસના જેટલો દૂરનો વિસ્તાર તેટલો વિસ્તારોમાં સમસ્યા ઓછી, પાણી ભરાવાનો પ્રશ્ન ગંભીર
અમદાવાદમાં ભારે વરસાદ પડે એટલે બોપલ, ગોટા, નિકોલ, ચાંદખેડા કે એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 600 વર્ષ પહેલાં વસેલું કોટ વિસ્તાર અને તેની અનેક પોળોમાં સામાન્ય રીતે પાણી લાંબા સમય સુધી ટકતું નથી. તેનું સૌથી મોટું કારણ છે અમદાવાદની સ્થાપના વખતે સમયનું દુરંદેશી શહેર આયોજન.
કોટ વિસ્તાર પ્રમાણમાં ઊંચી જમીન પર વસાવવામાં આવ્યો હતો અને રસ્તાઓ તેમજ પોળોનો કુદરતી ઢોળાવ એવો રાખવામાં આવ્યો કે વરસાદી પાણી સરળતાથી બહાર નીકળી જાય. પરંપરાગત પોળોના ઘરોમાં ખુલ્લા ચોક, વરસાદી પાણીના કુદરતી વહેણને અનુકૂળ ગલીઓ અને ભૂગોળને ધ્યાનમાં રાખીને થયેલું બાંધકામ આજે પણ તેની અસર બતાવે છે. તેની સામે શહેરના ઘણાં નવા વિસ્તારો કુદરતી નાળા, નીચાણવાળી જમીન અથવા જૂના તળાવોના વિસ્તારમાં વિકસ્યા છે. કોંક્રિટીકરણ વધતાં વરસાદી પાણી જમીનમાં ઊતરતું નથી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ પર અચાનક ભારે ભાર આવે છે. પરિણામે થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે.
અલબત્ત, કોટ વિસ્તાર સંપૂર્ણપણે જળભરાવાથી મુક્ત નથી. અતિ ભારે વરસાદ કે ડ્રેનેજ અવરોધાય ત્યારે રાયપુર, આસ્ટોડિયા, કાલુપુર અને દરિયાપુર જેવા કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાય છે. છતાં સામાન્ય વરસાદમાં ત્યાંથી પાણીની નિકાલ નવા વિસ્તારો કરતાં ઝડપથી થઈ જાય છે.
અમદાવાદના અન્ય વિસ્તારમાં વધારે પાણી ભરાવા માટેના કારણો
•પહેલા વરસાદી પાણી જે નાળા, ખાડા અને તળાવો દ્વારા વહેતું હતું તેમાંથી ઘણા રસ્તા, સોસાયટી અને કોમર્શિયલ પ્રોજેક્ટ બની ગયા. પાણીનાં કુદરતી માર્ગ બંધ થતાં પાણી રસ્તા પર ભરાય છે.
•ઘણાં વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ જૂના વરસાદના માપદંડ પ્રમાણે બનાવાઈ હતી. હવે ટૂંકા સમયમાં અત્યંત ભારે વરસાદ પડે ત્યારે તેની ક્ષમતા પૂરતી નથી.
•રોડ, પાર્કિંગ, ફૂટપાથ અને પ્લોટમાં પેવર બ્લોક્સ વધતાં વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી. લગભગ બધું પાણી સીધું ડ્રેનેજ પર ભાર મૂકે છે.
•શહેરના અનેક તળાવો અને નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીના કુદરતી સંગ્રહસ્થાન હતા. તે ઘટતાં પાણી સંગ્રહવાની ક્ષમતા પણ ઘટી ગઈ.
•ઘણી સોસાયટી અને રસ્તાની આસપાસની જમીન કરતાં ઊંચા બનાવાયા છે. જેના પગલે વરસાદી પાણી બાજુના નીચાણવાળા વિસ્તારમાં જમા થાય છે.
કોટ વિસ્તારમાં પાણી ઓછું ભરાવવા માટેના કારણો
•અમદાવાદ શહેર વસાવાયું ત્યારે શહેરનો મુખ્ય ભાગ સાબરમતી નદીના પૂરથી સુરક્ષિત રહે તેવી પ્રમાણમાં ઊંચી જમીન પર બનાવાયો હતો. તેથી વરસાદી પાણી કુદરતી ઢોળાવથી બહાર નીકળી જાય છે.
•કોટ વિસ્તારની ઘણી પોળ અને રસ્તાઓ એવી રીતે વિકસ્યા છે કે વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારો તરફ વહી જાય છે, જ્યાંથી તે ડ્રેનેજમાં પ્રવેશ કરે.
•સાંકડા રસ્તા હોવા છતાં અનેક વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇન કાર્યક્ષમ છે.
•કોટ વિસ્તારના ઘણાં ભાગોમાંથી વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ સાબરમતી તરફ રહે છે, જેના કારણે લાંબો સમય પાણી રહેતું નથી.
•પરંપરાગત ઘરોમાં ખુલ્લા ચોક અને પાણીની નિકાલની વ્યવસ્થા.
વરસાદી પાણી ભરાવાની સમસ્યા: નિષ્ણાતો શું સૂચવે છે?
•વરસાદી પાણી માટે અલગ અને વધુ ક્ષમતાવાળી સ્ટોર્મ વોટર ડ્રેનેજ.
•કુદરતી નાળા અને તળાવોનું સંરક્ષણ.
•દરેક મોટા પ્રોજેક્ટમાં ફરજિયાત રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને પાણી ઊતરે તેવી સપાટી.
•વરસાદની બદલાતી પેટર્નને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ ડિઝાઇનનું પુનઃ મૂલ્યાંકન.
સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 10 વર્ષ માટે 200 કરોડ ખર્ચ્યા
સ્ટોર્મ વોટર ડ્રેનેજ એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક દાયકામાં રૂપિયા 200 કરોડ ખર્ચ્યા છે. જેમાં 32 સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. હાલમાં ચાલી રહેલા 48 નવા સ્ટોર્મ વોટર પ્રોજેક્ટની કુલ કિંમત 1080 કરોડ છે પણ આ તમામ કામ પૂર્ણ થયા નથી. 2026-27ના બજેટમાં પૂર નિવારણ-સ્ટોર્મ વોટર સંબંધિત કાર્ય માટે 472.81 કરોડની જોગવાઈ કરાઈ છે.









