Ahmedabad

નવરાત્રિમાં 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના નામે ઠગાઈનો નવો કીમિયો, અમદાવાદ સાયબર ક્રાઈમે કરી ખાસ અપીલ

By GS Team
21 Sep 20263 mins read
TukuTouch Logo
નવરાત્રિમાં 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના નામે સાયબર ઠગો સક્રિય થયા છે. સિંગલ ખેલૈયાઓને નિશાન બનાવી, 'ભાડે પાર્ટનર' આપવાના બહાને છેતરપિંડીનો નવો કીમિયો અજમાવાઈ રહ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ આ મામલે સક્રિય થઈ છે અને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ પર વોચ રાખી રહી છે. સાયબર ક્રાઇમે 1930 હેલ્પલાઇન પર જાણ કરવા અને અજાણ્યાઓને પૈસા ન આપવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિમાં 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના નામે ઠગાઈનો નવો કીમિયો, અમદાવાદ સાયબર ક્રાઈમે કરી ખાસ અપીલ

Navratri Rent A Garba Partner Scam: ખેલૈયાઓ જેના માટે આખા વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે, તે મા જગદંબાની આરાધના અને તાલીઓના તાલે ઝૂમવાનો મહાપર્વ એટલે નવરાત્રિ! રંગબેરંગી પારંપરિક પરિધાન, ઢોલના ધબકારા અને ગરબા ગ્રાઉન્ડ્સ પર જામતો યુવાધનનો થનગનાટ, આ ઉત્સવનો એક અલગ જ માહોલ હોય છે. પરંતુ, તહેવારના આ જ ઉત્સાહ અને રોમાંચનો ફાયદો ઉઠાવીને હવે સાયબર ઠગો પણ સક્રિય થઈ ગયા છે. નવરાત્રિમાં એકલા પડી જતાં સિંગલ ખેલૈયાઓની લાગણીઓને નિશાન બનાવીને 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના નામે ઠગાઈનો નવો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. ગરબાના તાલ મિલાવવાની ઘેલછામાં જો થોડી પણ અસાવધાની રખાઈ, તો નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે.

નવરાત્રિમાં 'મેલ-ફિમેલ પાર્ટનર રેન્ટ પર મળશે’ તેવી રીલ્સ અને પોસ્ટ્સ વાઈરલ

જેમ-જેમ ટૅક્નોલૉજી અદ્યતન બની રહી છે, તેમ-તેમ સાયબર ઠગો પણ લોકોને ફસાવવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાની ફીડમાં ‘નવરાત્રિમાં ગરબા રમવા માટે મેલ-ફિમેલ પાર્ટનર રેન્ટ પર મળશે’ તેવી રીલ્સ અને પોસ્ટ્સ વાઇરલ થઈ રહી છે. જો તમે પણ આ લોભામણી જાહેરાતો જોઈને પાર્ટનર હાયર કરવાનું વિચારી રહ્યા હોવ, તો સાવધાન થઈ જજો! ભાડે પાર્ટનર શોધવાના ચક્કરમાં તમે સાયબર ફ્રોડ કે અન્ય ગુનાનો શિકાર બની શકો છો. આ બાબતને ગંભીરતાથી લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે અને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ તથા રીલ્સ પર કડક વોચ રાખી રહી છે. સાથે જ લોકો આ નવા સ્કેમનો ભોગ ન બને તે માટે સાયબર ક્રાઇમ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

નોંધ કોઈના ચહેરા કે આઈડી બતાવવું નહીં.jfif
આ પ્રકારની વાઈરલ પોસ્ટથી સાવધાન રહેવું

સાયબર ક્રાઇમની સિંગલ ખેલૈયાઓને સાવચેતીની અપીલ

  • સોશિયલ મીડિયા પર કોઈ પણ અજાણી પ્રોફાઇલ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો.
  • 'ગરબા પાર્ટનર' મેળવવાના નામે કોઈ પણ અજાણી વ્યક્તિને ઓનલાઇન નાણાં કે રૂપિયા ટ્રાન્સફર ન કરવા.
  • અજાણી વ્યક્તિ સાથે અંગત કે વ્યક્તિગત માહિતી અને ફોટા શેર ન કરવા.
  • જો કોઈ છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.
  • જરૂર જણાય તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

'Rent a Garba Partner' ટ્રેન્ડ પર સાયબર પોલીસની સતત નજર

અમદાવાદ સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ હાલ વાયરલ થઈ રહેલા 'Rent a Garba Partner' ટ્રેન્ડ પર સતત નજર રાખી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને મુંબઈના યુઝર્સ દ્વારા આવી પોસ્ટ્સ વધુ શેર થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ, સાયબર ગુનેગારો અવારનવાર તહેવારો અને વાયરલ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવીને છેતરપિંડીની નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે.

મોટી મુશ્કેલી ઊભી થઈ શકે

ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવીને ગરબા પાર્ટનર આપવાના બહાને રૂપિયા પડાવવાની કે અજાણી વ્યક્તિ સાથે ગરબા રમવા જવાથી નાણાકીય તેમજ અન્ય શારીરિક કે માનસિક મુશ્કેલીઓ ઊભી થવાની પૂરી શક્યતા રહેલી છે. આથી, નવરાત્રિ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થતી આવી કોઈપણ ઓફર કે અજાણી વ્યક્તિની પ્રોફાઈલ પર વિશ્વાસ કરતાં પહેલા પૂરતી સાવચેતી રાખવી અનિવાર્ય છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ DCPએ કહ્યું કે-

સોશિયલ મીડિયામાં હાલમાં ‘રેન્ટ અ પાર્ટનર’ એટલે કે ગરબા રમવા માટે ભાડેથી પાર્ટનર મેળવવાની પોસ્ટ અને રીલ્સ ફરતી થઈ છે. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહી છે. લોકોએ ખાસ ધ્યાન રાખવું કે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આવી પોસ્ટ્સ કયા હેતુથી મૂકવામાં આવી રહી છે – શું તેની પાછળ કોઈ ફ્રોડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો હેતુ છે કે નહીં, તેની અમે તપાસ કરી રહ્યા છીએ. ઘણીવાર પેમેન્ટ માટે કે વધુ માહિતી માટે કોઈ લિંક અથવા મેસેજ મોકલવામાં આવે છે, જેમાં ફિશિંગ કે ફ્રોડ લિંક એમ્બેડેડ હોય તો વોટ્સએપ હેક થઈ શકે છે અથવા બૅંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જવાનો ભય રહે છે. જો આવી કોઈ શંકાસ્પદ લિંક કે પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તુરંત જ પોલીસને જાણ કરવી.