અમદાવાદના ફતેવાડીમાં પાડોશી ધર્મ લજવાયો, સંતાકૂકડીના બહાને ત્રણ બાળકી સાથે શરમજનક કૃત્ય, પોલીસ ફરિયાદ નોંધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી સભ્ય સમાજને શરમાવે તેવી ઘટના સામે આવી છે. વિકૃત માનસિકતા ધરાવતા એક પાડોશીએ માસૂમિયતની તમામ હદો વટાવીને 3 નાની બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવતા અશ્લીલ અડપલાં કર્યા છે. રમત-રમતમાં આ માસૂમો પર ગુજારવામાં આવેલા અત્યાચારે સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાવ્યો છે. પીડિત પરિવારે હિંમત દાખવીને નરાધમ આરોપી અને તેના ભાઈ વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન્યાયની ગુહાર લગાવી છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની વિગત એવી છે કે, ફતેવાડી વિસ્તારમાં રહેતી એક 30 વર્ષીય માતાની બે દીકરીઓ (ઉંમર 8 અને 6 વર્ષ) અને પાડોશમાં રહેતી એક 9 વર્ષની બાળકી ફ્લેટની ગેલેરીમાં રમી રહી હતી. આ માસૂમોની રમતને કલંકિત કરવાના ઈરાદે સામે જ રહેતા વિકૃત આરોપીએ તેમને સંતાકૂકડી રમવાની લાલચ આપી પોતાના ઘરમાં બોલાવી લીધી. ઘરમાં લઈ જઈને આ પાપીએ ત્રણેય બાળકીઓના કપડાં કઢાવ્યા હતા અને અત્યંત બીભત્સ અને શરમજનક હરકતો કરી હતી. જ્યારે માસૂમોએ ડરીને બૂમાબૂમ કરી, ત્યારે આ હેવાને તેમને ધમકી આપી કે જો કોઈને પણ વાત કરી તો જાનથી મારી નાખીશ. આ ક્રૂરતા અહીં જ નહોતી અટકી, આ નરાધમે 1 મહિના પહેલાં પણ આ જ રીતે બાળકીઓ સાથે કુકૃત્ય આચર્યું હતું અને માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હોવાથી ડરી ગયેલી માસૂમો અત્યાર સુધી મનમાં જ ઘૂટાતી રહી હતી.
8 વર્ષની મોટી દીકરીએ રડતા-રડતા જણાવી આપવીતી
આ ભયાનક સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે 4 જુલાઈની રાત્રે આ બાળકીઓ પાડોશમાં રમવા ગઈ હતી અને ત્યાં આરોપીના વખાણ સાંભળતા જ બાળકીઓએ આક્રોશ સાથે તેનો વિરોધ કર્યો. પાડોશી મહિલા પાસેથી આ વાતની જાણ થતાં જ આઘાતમાં સરી પડેલી માતાએ પોતાની દીકરીઓને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી, ત્યારે 8 વર્ષની મોટી દીકરીએ રડતા-રડતા પોતાની સાથે થયેલી આ ભયાનક આપવીતી વર્ણવી હતી. કાળજું કંપાવી દેનારી આ વાત સાંભળીને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક ત્રીજી પીડિત બાળકીના પરિવારને પણ સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા હતા.
વિકૃત પાડોશીને ફરિયાદ કરતાં ઝઘડો કર્યો
બીજા દિવસે સવારે જ્યારે ન્યાય માંગવા અને ઠપકો આપવા માટે પીડિત પરિવારો આરોપીના ઘરે પહોંચ્યા, ત્યારે માનવતા તો દૂર, તે નરાધમ બહનાબાજી કરવા લાગ્યો. એટલું જ નહીં, તેનો ભાઈ પણ પોતાની શરમ નેવે મૂકીને એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. પીડિત પરિવારને બિભત્સ ગાળો આપી અને ત્યાંથી ન જવા પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો. આ દાદાગીરી જોઈને આખરે પીડિતના પતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. પોલીસ ઘટનાસ્થળે દોડી આવતા જ પરિવારે હિંમતપૂર્વક કાયદાનો આશરો લીધો અને માસૂમોની જિંદગી રોળનારા મુખ્ય વિકૃત આરોપી વિરુદ્ધ શારીરિક શોષણ તેમજ તેના ભાઈ વિરુદ્ધ ગાળાગાળી અને ધમકી આપવા બદલ ગુનો દાખલ કરાવ્યો છે.
જે ઉંમરે બાળકો દુનિયાના કપટથી અજાણ હોઈને માત્ર નિર્દોષ રમતોમાં મગ્ન હોય છે, તે ઉંમરે આ માસૂમ કલિકાઓએ હવસખોરની હેવાનીયત અને નફ્ફટાઈનો સામનો કરવો પડ્યો છે. આ કાયરતાપૂર્ણ કૃત્ય અને ત્યારબાદ આરોપીના પરિવાર દ્વારા આપવામાં આવેલી નિર્લજ્જ ધમકીઓએ પીડિત પરિવારોને અંદરથી હચમચાવી દીધા છે, છતાં તેમણે ન્યાય માટે કાયદાનો દરવાજો ખખડાવ્યો છે અને સમાજમાં આવા વિકૃત કડક સજા થાય તેવી આશા સેવી રહ્યા છે.









