સોશિયલ મીડિયા પર 'મિત્રતા' પડશે ભારે: અમદાવાદમાં મેડિકલ ખર્ચના બહાને અનેક લોકોને ઠગતી યુવતી ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Social media friendship scams Ahmedabad: વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છેતરપિંડીની નવી મોડસ ઓપરેન્ડી મોટા પ્રમાણમાં સામે આવી છે. જેમાં કેટલીક મહિલાઓ મિત્રતા કેળવીને ચેટ કર્યા બાદ ઘરખર્ચ કે અન્ય ખર્ચ માટે 10 હજાર સુધીની રકમ મેળવીને પરત નહીં કરીને અનેક લોકોને ઠગતી હોય છે. આ પ્રકારના કિસ્સામાં વધારો થતાં સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ આવી છેતરપિંડીથી સતર્ક રહેવા માટે તાકીદ કરી છે.
સ્નેપચેટ પર મેડિકલ ખર્ચના બહાને અમદાવાદમાં યુવક સાથે ઠગાઈ
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ સોશિયલ મીડિયા સાઇટ સ્નેપચેટ પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી. જેમાં કેટલાક લોકો મિત્રો બન્યા હતા, જે પૈકી એક પરિણીત યુવતીએ થોડા દિવસ સુધી તેમની સાથે વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ દવાના ખર્ચ માટે 5 હજાર રૂપિયા માંગ્યા હતા. આ નાણાં 4 થી 5 દિવસમાં પરત કરવાનું કહીને માંગવામાં આવ્યા હતા. પરિણીત યુવતી અમદાવાદમાં જ રહેતી હોવાથી યુવકે નાણાં ઓનલાઇન ચૂકવ્યા હતા.
જો કે, 5 દિવસ બાદ તે યુવતીએ મેડિકલનું કારણ આપીને બીજા 2 હજાર માંગીને તમામ નાણાં તેના પતિનો પગાર આવે ત્યારે એકસાથે આપવાનું કહ્યું હતું. પરંતુ, ત્યારપછી તે યુવતીએ નાણાં ચૂકવ્યા નહોતા. બીજી તરફ યુવકે યુવતીને ફોન કરતાં તેણે પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી કે તે પરિણીત યુવતીને પરેશાન કરી રહ્યો છે. જેથી યુવકે પોલીસની મદદ માંગતા પોલીસે અરજી લઇને કાર્યવાહી શરૂ કરી હતી, જેના પગલે અંતે યુવતીએ નાણાં પરત આપ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ યુવતીએ મેડિકલનું કારણ આપીને આશરે 7 થી 8 લોકો પાસેથી 10 હજાર સુધીની રકમ મેળવીને કુલ 90 હજાર રૂપિયા ઓનલાઇન મેળવ્યા હતા.
સોશિયલ મીડિયા પર નાની રકમની છેતરપિંડીથી સાવધાન રહેવા અપીલ
સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ સ્નેપચેટ અને ફેસબુકમાં આ પ્રકારની છેતરપિંડી સૌથી વધુ પ્રમાણમાં થઇ રહી છે. જેમાં માંગવામાં આવતી રકમ ઓછી હોવાથી મોટાભાગના લોકો ફરિયાદ કરવાનું ટાળે છે. જેથી કેટલાક કિસ્સામાં યુવતીઓને નાણાં મળવાનું શરૂ થઇ જતાં તેમના દ્વારા આ મોડસ ઓપરેન્ડી નિયમિત રીતે અપનાવવામાં આવે છે. જ્યારે કેટલીક ગેંગ પણ યુવતીઓના નામે પ્રોફાઇલ બનાવીને આ પ્રકારની છેતરપિંડી આચરે છે. જેથી સોશિયલ મીડિયા પર સતર્ક રહેવું અને કોઇ નાણાંની માંગણી કરે તો વ્યવહાર ન કરવો તે ખૂબ જરૂરી છે.









