અમદાવાદ: 12 વર્ષની માસૂમ ભત્રીજી પર સગા મોટાબાપુએ અશ્લીલ વીડિયો બતાવી આચર્યું દુષ્કર્મ, માતાની સખી આગળ પોલ ખુલી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 12 વર્ષીય સગીરા પર તેના જ સગા મોટાબાપુએ અશ્લીલ વીડિયો બતાવીને દુષ્કર્મ આચર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીનો 4 વર્ષ પહેલાં પોતાની પત્ની સાથે ઝઘડો થતાં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. નિરાધાર બનેલો આ શખસ ગત સપ્ટેમ્બર મહિનાથી તેના નાના ભાઈના ઘરે આશરો લઈને રહેતો હતો. આ દરમિયાન 15 સપ્ટેમ્બરના રોજ ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર ન હોવાનો લાભ ઉઠાવીને આરોપીએ બેડરૂમમાં સૂતેલી પોતાની સગી ભત્રીજીને બીભત્સ વીડિયો બતાવીને દુષ્કર્મ કર્યું હતુ. આટલેથી ન અટકતા આરોપીએ સગીરાને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સગી ભત્રીજી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ
આ જઘન્ય અપરાધ બાદ પણ આરોપી અવારનવાર ભત્રીજીની છેડતી કરતો રહ્યો હતો. મોટાબાપુની આ હરકતોથી ત્રસ્ત થઈને અંતે સગીરાએ પોતાની માતાની બહેનપણીને સમગ્ર આપવીતી જણાવી દીધી હતી. માતાની મિત્રએ આ ગંભીર બાબતની જાણ સગીરાની માતાને કરતા અને ત્યારબાદ માતાએ પોતાની પુત્રીને પૂછપરછ કરતા આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો. પોતાનું પાપ છતું થઈ જવાની બીકે ખાનગી કંપનીમાં નોકરી કરતો આ શખસ તાત્કાલિક ઘરેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પીડિતાની માતાએ રામોલ પોલીસ મથકમાં પોતાના જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને આરોપીને અંકલેશ્વર ખાતે રહેતા તેના એક મિત્રના ઘરેથી ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે શું કહ્યુ?
બનાવ અંગે પોલીસે જણાવ્યું કે, રામોલ પોલીસ સ્ટેશનમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસ મામલે આરોપી વિરૂદ્ધમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની હકીકત એવી છે કે, 15 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ 2 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાના આસપાસ આરોપીએ શારીરિક અડપલા કર્યા હતા. બનાવ વખતે આરોપી પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો બતાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. આરોપી પત્ની તથા 2 સંતાનોથી છેલ્લા 6થી 8 મહિનાથી અલગ રહીને રામોલ વિસ્તારમાં તેના સગા ભાઈ સાથે રહેતો હતો, જ્યાં બંને ભાઈઓ દહેજની પાર્શ્વનાથ કંપનીમાં કામ કરે છે. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરા ગભરાઈ ગઈ હોવાથી તેણે તેની માતાના એક મિત્રને ખાનગીમાં વાત કરી હતી અને ત્યારબાદ તેની માતાએ પોલીસ સ્ટેશન આવીને આ બનાવની જાણ કરી હતી. ઘટના બાદ આરોપી પોતાનો મોબાઈલ સ્વીચ-ઓફ કરીને ભાગી ગયો હતો, પરંતુ પોલીસની સર્વેલન્સ ટીમે સીસીટીવી ચેક કરીને તથા દહેજ અને ભરૂચ ખાતે તપાસ કરીને અંતે 24 કલાકની અંદર આરોપીને અંકલેશ્વરમાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે તમામ જરૂરી સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરીને FSLમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત આરોપીના મોબાઈલની ફોન ડિટેલ્સ રિકવર કરવાની કાર્યવાહી પણ ચાલુ છે તથા સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. તેમજ આ કેસના સાક્ષીઓના નિવેદનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




