અમદાવાદના મેટ્રો સ્ટેશન આસપાસ પાર્કિંગની સમસ્યા હળવી થશે: 9 પ્લોટમાં 6,149 વાહનો માટે જગ્યા ઊભી કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Metro Station Parking AMC Plan: અમદાવાદમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે પોતાના વાહનનો ઉપયોગ કરતા મુસાફરોને હવે પાર્કિંગની સમસ્યામાંથી રાહત મળવાની શક્યતા છે. મેટ્રો સ્ટેશનોની આસપાસ વાહન પાર્કિંગની સુવિધા ઊભી કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના 3 ઝોનમાં કુલ 9 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ પ્લોટમાં કુલ 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર મળી 6,149 વાહનો પાર્ક કરી શકાશે. આ પાર્કિંગ માટે કુલ 36,890 ચોરસ મીટર જમીનનો ઉપયોગ કરવામાં આવશે. આગામી બે મહિનામાં, એટલે કે દિવાળી પહેલાં પાર્કિંગ શરૂ કરી દેવાની શક્યતા છે.
અમદાવાદના મેટ્રો સ્ટેશન આસપાસ પાર્કિંગની સમસ્યા હળવી થશે
ત્રણ ઝોનમાંથી પૂર્વ ઝોનમાં સૌથી વધુ 4 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. કુલ 19,046 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા આ પ્લોટમાં 3,047 ટુ-વ્હીલર અને 127 ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે. પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ તેમજ એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન નજીકના ઓપન પ્લોટનો સમાવેશ થાય છે.
ઉત્તર પશ્ચિમમાં બે અને પશ્ચિમમાં 3 પ્લોટમાં વાહન પાર્ક કરી શકાશે
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં થલતેજ વિસ્તારના મેટ્રો સ્ટેશન નજીક 2 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. કુલ 14,929 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા આ બંને પ્લોટમાં 2,389 ટુ-વ્હીલર અને 99 ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે. આ બંને પ્લોટ થલતેજ ગામ મેટ્રો સ્ટેશન નજીક આવેલા કોર્પોરેશનના પ્લોટમાં છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં કુલ 3 પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે. અહીં 467 ટુ-વ્હીલર અને 20 ફોર-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. આમ, ત્રણેય ઝોનમાં 9 પ્લોટનો ઉપયોગ કરીને મેટ્રો મુસાફરો માટે એકસાથે 6,149 વાહનો પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી થશે.
મેટ્રો મુસાફરોને સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા
કોર્પોરેશન દ્વારા આ વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ મેટ્રો સ્ટેશન સુધી પોતાના વાહનથી આવતા મુસાફરોને નજીકમાં જ પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. મુસાફરો વાહન પાર્ક કરીને મેટ્રો દ્વારા આગળની મુસાફરી કરી શકશે. હાલમાં અનેક મેટ્રો સ્ટેશનની આસપાસ રસ્તા પર વાહન પાર્કિંગ થતું હોવાથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઊભી થતી હોવાના સંદર્ભમાં આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પાર્કિંગના દર સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થશે
આ પાર્કિંગ પ્લોટ અંગેની દરખાસ્તમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે વાહન પાર્કિંગના દર અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવશે. દર નક્કી થયા બાદ પાર્કિંગ શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. કોર્પોરેશનના આયોજન મુજબ આગામી બે મહિનામાં પાર્કિંગ સ્થળો તૈયાર કરીને દિવાળી પહેલાં મુસાફરો માટે ખુલ્લાં મૂકવાની શક્યતા છે.




