વર્ષો પહેલા પરણેલા પણ હવે લાઈનમાં ઊભા: મેરેજ સર્ટિફિકેટ માટે ગુજરાતભરમાં કેમ મચી ગઈ દોડધામ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Marriage Certificate: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ગત ૧ ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર ગેઝેટ નોટિફાય કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કાયદાની જાહેરાત થતાંની સાથે જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર (Marriage Certificate) મેળવવા માટે નાગરિકોમાં દોડધામ મચી ગઈ છે.
મેરેજ સર્ટિફિકેટ માટે મ્યુનિસિપલના પોર્ટલમાં રોજના 150થી 200ને સ્થાને હવે 700થી વધુ દંપતી રજિસ્ટ્રેશન કરાવે છે
ડિજિટલ પોર્ટલ પર અરજીઓનો એવો ભયંકર ઉછાળો આવ્યો છે કે મહાનગરોની ઓનલાઈન સિસ્ટમ પર બેકએન્ડ લોડ અસાધારણ રીતે વધી ગયો છે. સૂત્રો અને ઓનલાઈન ટ્રાફિકના વિશ્લેષણના આધારે પ્રાપ્ત અંદાજિત આંકડા અનુસાર, છેલ્લા 48થી 72 કલાકમાં જ લગ્ન નોંધણીની અરજીઓમાં 3થી 4 ગણો વધારો નોંધાયો છે.
સામાન્ય દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ પર દૈનિક સરેરાશ 150થી 200 ફોર્મ સબમિટ થતા હતા. જોકે, છેલ્લા એક અઠવાડિયામાં આ ગ્રાફ સીધો ઊંચકાયો છે અને હાલમાં રોજના અંદાજે 700થી 800થી વધુ દંપતીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા હોવાનો અંદાજ છે.
કોર્પોરેશન દ્વારા ઓગસ્ટ 2026થી જ સમગ્ર લગ્ન નોંધણી પ્રક્રિયાને 100% પેપરલેસ અને ડિજિટલ બનાવી દેવામાં આવી છે. નાગરિકો ઘરે બેઠા જ પોતાના દસ્તાવેજો અપલોડ કરી શકે છે. આ નવી વ્યવસ્થાને કારણે કોર્પોરેશનની વોર્ડ ઓફિસો પર પહેલા જેવી ફિઝિકલ કતારો કે ભીડ જોવા મળતી નથી પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કર્યા બાદ ફિઝિકલ વેરિફિકેશન માટે લેવા પડતા એપોઈન્ટમેન્ટ સ્લોટ્સની અછત સર્જાઈ છે.
દંડના ભયે મેરેજ રજિસ્ટ્રેશનના પ્રમાણમાં રાતોરાત વધારો
અરજીઓમાં અચાનક આવેલા આ ઘસારાનું મુખ્ય કારણ UCC કાયદામાં રહેલી કડક જોગવાઈ છે. નવા નિયમો અનુસાર, લગ્ન થયાના 60 દિવસની અંદર તેની નોંધણી કરાવવી કાનૂની રીતે ફરજિયાત બનશે. જો નિયત સમય મર્યાદામાં નોંધણી કરાવવામાં નહીં આવે, તો 10 હજાર રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે.
વેઈટિંગ પીરિયડ વધીને 7થી 10 દિવસ થઈ ગયો
સામાન્ય દિવસોમાં જે સ્લોટ 2થી 3 દિવસમાં આસાનીથી મળી જતો હતો, તે હવે ભારે ઘસારાને કારણે 7થી 10 દિવસના વેઈટિંગ પીરિયડ પર પહોંચી ગયો છે. નાગરિકોમાં એવી ચર્ચા છે કે UCC સંપૂર્ણપણે અમલી બન્યા બાદ જો લગ્ન પ્રમાણપત્ર નહીં હોય, તો પાસપોર્ટમાં નામ બદલવું, સંયુક્ત બેંક ખાતા ખોલાવવા, વારસાહકો અને વીમા ક્લેઈમ જેવા મહત્વના નાણાકીય કે સરકારી કામો અટકી શકે છે.




