Ahmedabad

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળ પાથરી સસ્તામાં મકાન અપાવવાની લાલચ આપી પરિણીતા સાથે રૂ. 11.69 લાખની છેતરપિંડી

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના વનરાજસિંહ સોલંકીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમસંબંધ બાંધી, 42 વર્ષીય મહિલાને સસ્તામાં મકાન અપાવવાની લાલચ આપી હતી. તેણે મહિલા પાસેથી ટુકડે-ટુકડે કુલ 11.69 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ બોગસ સ્ટેમ્પ પેપર આપી છેતરપિંડી આચરી હતી. મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળ પાથરી સસ્તામાં મકાન અપાવવાની લાલચ આપી પરિણીતા સાથે રૂ. 11.69 લાખની છેતરપિંડી

Ahmedabad News : અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચય કેળવીને પ્રેમસંબંધ બાંધ્યા બાદ સસ્તામાં મકાન અપાવવાના નામે 11.69 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના યુવક સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા અને પ્રેમસંબંધ

સરદારનગર કોતરપુર વોટર વર્ક્સ પાસે બાજપાઇનગરમાં રહેતી અને સિલાઈ કામ કરતી 42 વર્ષીય મહિલા ઓક્ટોબર 2023માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી રાજકોટના વિંછિયા તાલુકાના સનાળી ગામના વનરાજસિંહ ગંભીરભાઈ સોલંકીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત વધતા પ્રેમસંબંધ બંધાયો હતો. વર્ષ 2024માં નવરાત્રી દરમિયાન યુવક મહિલાને જૂનાગઢ, મોગલધામ, સતાધાર અને વીરપુર ફરવા લઈ ગયો હતો, જ્યાં તેણે મકાનના ફોર્મ બહાર પડવાના હોવાનું જણાવી સેટિંગમાં સસ્તામાં મકાન અપાવવાની લાલચ આપી હતી.

ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવ્યા

આરોપી વનરાજસિંહે મકાનના નામે અવારનવાર નાણાંની માંગણી કરતાં મહિલાએ પોતાના પરિચિતો તથા પુત્ર નિખિલના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ 2.03 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વધુ રકમની જરૂર હોવાથી મહિલાએ પોતાના સોનાના દાગીના વેચી દીધા અને અન્ય લોકો પાસેથી નાણાં મેળવીને કુલ 11.69 લાખ રૂપિયા આપ્યા હતા.

સ્ટેમ્પ પેપર પર બોગસ લખાણ અને છેતરપિંડી

આરોપીએ નાના ચિલોડા વેદ બંગ્લોઝમાં મકાન નોંધાવ્યાનું કહીને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ આપ્યું હતું અને બાદમાં નામ સુધારવાના બહાને તે સ્ટેમ્પ પાછો પણ મેળવી લીધો હતો. લાંબો સમય વીતવા છતાં મકાન ન મળતા અને મહિલાએ પૈસા પરત માંગતા આરોપીએ સંપર્ક તોડી નાખ્યો હતો. પોતાની સાથે વિશ્વાસઘાત થયાની જાણ થતાં પરિણીતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.