અમદાવાદના ગોમતીપુરમાં નંબર પ્લેટ વગરના સ્કૂટરમાંથી રૂ. 1.54 લાખનો ગાંજો ઝડપાયો, 20 વર્ષીય શખ્સની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન નંબર પ્લેટ વગરના સ્કૂટર પર ગાંજાનો જથ્થો લઈને જઈ રહેલા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. ચતુરસિંગ ચાર રસ્તા પાસેથી પકડાયેલા આ શખ્સ પાસેથી અંદાજે રૂ. 1.54 લાખની કિંમતનો 3.093 કિલો ગાંજો મળી આવ્યો છે. પોલીસે માદક પદાર્થ અને વાહન સહિત કુલ રૂ. 2.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શંકાસ્પદ સ્કૂટરની તપાસમાં સામે આવ્યો માદક પદાર્થ
ગોમતીપુર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન ચતુરસિંગ ચાર રસ્તાથી હરીભાઈ ગોદાણી સર્કલ તરફ જવાના રોડ પર નંબર પ્લેટ વગરનું બર્ગમેન સ્કૂટર લઈને પસાર થતા એક શંકાસ્પદ યુવકને પોલીસે કોર્ડન કરીને અટકાવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ ફરદીન ઉર્ફે ડુગ્ગુ ઉમરહુસેન મોહમદઅલી સૈયદ (ઉં.વ. 20, રહે. ગીરધર માસ્ટર કમ્પાઉન્ડ, આઇટીઆઈ રોડ, સરસપુર; મૂળ રહે. મદની મહોલ્લા, ગોમતીપુર) હોવાનું જણાવ્યું હતું.
એફએસએલ તપાસ અને મુખ્ય સપ્લાયરની શોધખોળ
પોલીસે સ્કૂટરની તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં સેલોટેપ વીંટાળેલા 3 અલગ-અલગ પાર્સલ મળી આવ્યા હતા. એફએસએલ અધિકારી દ્વારા કેમિકલ કિટ વડે સ્થળ પર પરીક્ષણ કરાતાં તે માદક પદાર્થ ગાંજો હોવાનું સાબિત થયું હતું. ડિજિટલ કાંટા પર વજન કરાવતાં કુલ 3.093 કિલો ચોખ્ખો ગાંજો (કિંમત રૂ. 1,54,650) મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ફરદીને કબૂલાત કરી હતી કે આ ગાંજાનો જથ્થો તે મદની મહોલ્લા ખાતે રહેતા ફકરુદ્દીન ઉર્ફે ટકલો ઉર્ફે મુલ્લા પાસેથી છૂટક વેચાણ અર્થે લાવ્યો હતો. પોલીસે ફરદીનની અટકાયત કરી ફરાર ફકરુદ્દીન સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.




