Ahmedabad

VIDEO: "જનતાના ₹100 કરોડના રામ બોલો ભાઈ રામ...", અમદાવાદમાં કોંગ્રેસે યોજ્યું મકરબા ઓવરબ્રિજનું ‘બેસણું’

By GS Team
1 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના મકરબા ઓવરબ્રિજ પર આજે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટ્રાફિક જામ અને 200 મીટરના ચક્કરને કારણે વાહનચાલકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બ્રિજનું બેસણું યોજ્યું. કોંગ્રેસે 98.60 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજમાં ભ્રષ્ટાચાર અને ડિઝાઇનની ખામીનો આરોપ લગાવ્યો. કંપની બ્લેકલિસ્ટ હોવા છતાં કામ સોંપાયું અને ચૂંટણી ફંડ અપાયું હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: "જનતાના ₹100 કરોડના રામ બોલો ભાઈ રામ...", અમદાવાદમાં કોંગ્રેસે યોજ્યું મકરબા ઓવરબ્રિજનું ‘બેસણું’

Ahmedabad Makarba Overbridge Controversy Congress Protest: અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડ તરફ આવતો ઓવરબ્રિજ શરૂ થયો એ પછી સતત વિવાદમાં છે. ભારે ટ્રાફિક જામ થતો હોવાને પગલે કોર્પોરેટ રોડ પર એક કેપ્સુલ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી જેને લીધે વાહન ચાલકોને આવવા જવામાં 200 મીટરનો ચક્કર મારવો પડે છે. ત્યારે આજે(1 ઑક્ટોબર) કોંગ્રેસ દ્વારા આ બ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અહીં બ્રિજના ખૂણે બ્રિજ બાબતે બેસણું રાખવામાં આવ્યું હતું.

મકરબા ઓવરબ્રિજનું બેસણું

આ અંગે વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરે જણાવ્યું કે, 'ભારતીય જનતા પાર્ટી એ પ્રજાના મહેનતના પૈસા વેડફી મકરબા બ્રિજનું મૃત્યુ કર્યું છે એવું કહી શકાય. જેનો શોક મનાવવા આજે અમે લોકો અહીંયા બેઠા છીએ. આ બ્રિજની ડિઝાઇનની અંદર અઢળક ખામીઓ છે. આની અંદર સમય અંતરે ઘણા બધા બદલાવ લાવવામાં આવ્યા, બે વર્ષની જગ્યાએ ચાર વર્ષે બ્રિજ બન્યો, 70 કરોડમાં પાસ થયેલું ટેન્ડર 98.60 કરોડે જઈને અટક્યું, પેનલ્ટી લગાવવાનું તો દૂર પણ 28 કરોડનો વધારો કંપનીને આપવામાં આવ્યો, જે કંપની બ્લેકલિસ્ટ થઈ ચૂકી હતી એને આ કામ સોપવામાં આવ્યું. કંપની દ્વારા વર્ષ 2022-23માં ભારતીય જનતા પાર્ટીને ચૂટણી ફંડ પણ આપવામાં આવ્યું છે. એટલે ક્યાંકને ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર એ બહુ મોટાપાએ થયો હોય એવુ દેખાઈ રહ્યું છે.'

બ્રિજની બનાવટ સહિતની બાબતે કોંગ્રેસે કેટલીક કાર્યવાહીની માગ કરતાં જણાવ્યું કે, 'સૌથી પહેલા તો આ કંપનીને ટેન્ડર પાસ કરવામાં કોનો હાથ હતો. આની અંદર જે બજેટનો વધારો થયો એની અંદર મંજૂરી કોણે આપી અને સાથે સાથે જે બેથી ચાર વર્ષનો સમય થઈ ગયો ત્યારે પ્રજાને જે તકલીફ પડી આ સમયગાળા દરમિયાન કોર્પોરેશન દ્વારા એમને કોઈ દંડ કરવામાં આવ્યો છે કે નહીં.'

આ પ્રસૂતિની પીડા નહીં, ગર્ભપાત જ થઈ ગયો: કોંગ્રેસ

વધુમાં કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું કે, આ મુદ્દાને ઉજાગર કરવામાં આવ્યો છે અને ટેકનિકલ જે કોઈ પ્રોબ્લેમ હતા એને વારંવાર કોર્પોરેશન સમક્ષ અમારા કાઉન્સિલરોએ પણ મૂક્યા હતા. આમ, રહીશો દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. પણ ત્યારે અહીંના ધારાસભ્યનું કહેવું એવું હતું કે આ પ્રસૂતિની પીડા છે, આ જ્યારે પતી જશે પછી તમને ખૂબ આનંદ થશે તો અમારું એવું માનવું છે કે આ પ્રસૂતિની પીડાની આ આજની પરિસ્થિતિમાં જોઈએ તો ગર્ભપાત થઈ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે.

કેપ્સ્યુલ સિસ્ટમ વિશે કાર્યકરે કહ્યું કે, 'આ કેપ્સ્યુલ સિસ્ટમ એ જો તમારે પહેલાથી લગાવી જ હતી તો પછી ડિઝાઇન એ પ્રમાણે બનાવવી જોઈએ. ડિઝાઇનમાં ફોલ્ટ નીકળ્યો અને અનાવરણ કર્યું બ્રીજનું ત્યારે અહીંયા અકસ્માત થયા એના પછી તાત્કાલિક બધા દોડી આવીને અમુક નિર્ણય લીધા કે કેપ્સ્યુલ સિસ્ટમ કરીએ. આમ જો આવું જ કરવાનું હતું તો જ્યારે બ્રિજ બનાવ્યો ત્યારે જ ડિઝાઇન એ પ્રમાણે બનાવવાની હતી ને, તમારે કેપ્સયુલ સિસ્ટમ પાછળથી લાદવાની જરૂર કેમ પડી, કારણ કે તમારા ટેકનિકલ ફોલ્ટ છે, તમારી ભૂલ છે.'