Ahmedabad

અમદાવાદ: મહિલા વકીલ અને ભાઈ પર મરચાંનું પાણી છાંટી હુમલો, 4 મહિલા સહિત 9 સામે ફરિયાદ

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કુબેરનગરના સંતોષીનગર વિસ્તારમાં AMCમાં ગેરકાયદે દબાણની અરજી કર્યાની અદાવત રાખી શુક્રવારે સવારે મહિલા વકીલ અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો થયો. હુમલાખોરોએ મરચાંવાળું પાણી છાંટી લોખંડના સળિયા અને લાકડાના દંડા વડે માર માર્યો. વકીલ રોશની યાદવનું માથું ફૂટી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. સરદારનગર પોલીસે 9 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મહિલા વકીલ અને ભાઈ પર મરચાંનું પાણી છાંટી હુમલો, 4 મહિલા સહિત 9 સામે ફરિયાદ

Ahmedabad Kubernagar Woman Lawyer Attack: અમદાવાદના કુબેરનગરના સંતોષીનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણ મુદ્દે AMCમાં અરજી કર્યાની અદાવત રાખી શુક્રવારે(11 સપ્ટેમ્બર) સવારે કોર્ટ જઈ રહેલાં મહિલા વકીલ અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પહેલાં બંને પર મરચાંવાળું પાણી છાંટ્યું હતું અને બાદમાં લોખંડના સળિયા તેમજ લાકડાના દંડા વડે બેફામ માર માર્યો હતો. આ હિંસક હુમલામાં મહિલા વકીલનું માથું ફૂટી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. સરદારનગર પોલીસે પાંચ પુરુષ અને ચાર મહિલાઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

કુબેરનગરમાં મરચાંવાળું પાણી છાંટી લોખંડના સળિયાથી મહિલા વકીલ અને તેના ભાઈ પર હુમલો

કુબેરનગર, સરદારનગર ખાતે ભૈયાજીની ચાલી, સંતોષીનગરના છાપરામાં રહેતાં અને વકીલાત કરતાં 29 વર્ષીય રોશની હનુમાનભાઈ યાદવે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના વિસ્તારમાં પાણી ન આવતું હોવાથી તેમજ અવરજવરના રસ્તે ગેરકાયદે દબાણ થયું હોવાથી તેમણે 10 સપ્ટેમ્બરના રોજ AMC(અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)માં ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે કોર્પોરેશનની ટીમે શુક્રવારે સવારે કાર્યવાહી કરી સ્થાનિક વેપારી પ્રકાશ ભલાજી ખીજડિયાની ભૈરવનાથ ટ્રેડર્સ નામની દુકાનને સીલ મારી દીધું હતું.

દુકાન સીલ થવાની અદાવત રાખીને સવારે 9 વાગ્યાની આસપાસ રોશની પોતાના ભાઈ દમન યાદવ સાથે એક્ટિવા પર સવાર થઈને કોર્ટ જવા નીકળ્યાં ત્યારે ભૈરવનાથ ટ્રેડર્સ પાસે ચારેક મહિલાઓએ તેમના પર મરચાંવાળું પાણી છાંટ્યું હતું. તે દરમિયાન પ્રકાશ ખીજડિયા, બ્રિજેશ મારવાડી, કમલેશ મારવાડી, પીઠ્ઠા મારવાડી અને શંકર મારવાડી લોખંડના સળિયા અને લાકડાના દંડા સાથે ધસી આવ્યા હતા અને બંને ભાઈ-બહેન પર હુમલો કર્યો હતો. જેમાં પ્રકાશે રોશનીના માથામાં સળિયો મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ગરબા ક્લાસથી અલગ વાહનો પર પાછા ફરતા દંપતીને નડ્યો અકસ્માત, પતિની નજર સામે જ પત્નીનું મોત, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન

ઝપાઝપી દરમિયાન રોશનીનો રૂ.15 હજારની કિંમતનો મોબાઈલ, રૂ.30 હજારનો અડધા તોલાનો સોનાનો દોરો અને રૂ.30 હજારની કિંમતની 5 થી 6 ગ્રામની સોનાની બે બુટ્ટી મળી કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ ગુમ થયો હતો. બનાવ બાદ 108 અને 112ને જાણ કરાતાં ઇજાગ્રસ્ત વકીલ અને તેમના ભાઈને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.