અમદાવાદ: પિતાની પુણ્યતિથિનું બહાનું બતાવી ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે 9.26 લાખની છેતરપિંડી, ફરિયાદ બાદ આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Dry Fruit Cheating Case: અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં રહેતા હસમુખ હિરાચંદ જૈન નામના શખસે પિતાની પુણ્યતિથિ હોવાનું બહાનું આગળ ધરીને ડ્રાયફ્રૂટના વેપારીઓને નિશાન બનાવ્યા હતા. કૃષ્ણનગર વિસ્તારમાં દુકાન ધરાવતા અને લોહીના ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વેપારી દેવારામ મોદીને ફોન કરીને આ ગઠિયાએ 350 કિલો ડ્રાયફ્રૂટનો ઓર્ડર આપ્યો હતો. માલની ડિલિવરી અને પેમેન્ટ માટે આરોપીએ ઓનલાઈન ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી વેપારીને લાખો રૂપિયાના બોગસ ચેક પધરાવી દીધા હતા. આ મામલે હાલ કૃષ્ણનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પિતાની પુણ્યતિથિનું બહાનું બતાવી ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે 9.26 લાખની છેતરપિંડી
ફરિયાદ અનુસાર, વેપારીએ જ્યારે બેંકમાં ચેક જમા કરાવ્યા ત્યારે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી તે બાઉન્સ થયા હતા. ઉઘરાણી કરતા આરોપીએ આરટીજીએસથી રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો અને બાદમાં પોતાના પિતા પાસે રોકડા લેવા ઓઢવ ખાતે બોલાવ્યા હતા. જે પિતાના મૃત્યુના નામે માલ ખરીદ્યો હતો તેમને જ જીવતા દર્શાવી પૈસા લેવા બોલાવતા વેપારી ચોંકી ઉઠ્યા હતા. વેપારીએ પોતાની રીતે તપાસ કરતા ખુલ્યું હતું કે, આ જ મોડસ ઓપરેન્ડીથી હસમુખ જૈને શાહીબાગ, ઓઢવ, નિકોલ અને સેટેલાઇટ વિસ્તારના અન્ય ચાર વેપારીઓને પણ શિકાર બનાવી કુલ રૂપિયા 9,26,640નો માલ પચાવી પાડીને તેમની સાથે છેતરપિંડી કરી હતી.
જ્યારે ઠગે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે છેતરાયેલા વેપારીઓએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ભારે જહેમત બાદ વેપારીઓએ આરોપી હસમુખ જૈનને શોધી કાઢ્યો હતો અને તેને પકડીને સીધો પોલીસના હવાલે કરી દીધો હતો. આરોપી પોલીસની પકડમાં આવ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં કૃષ્ણનગર પોલીસે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને અગાઉ આવા કોઈ ગુના આચર્યા છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.









