અમદાવાદ: આનંદનગરમાં ધાબા પર ચાલતી વિદ્યાર્થિનીને સિક્યોરિટી ગાર્ડે ગળું દબાવી દુષ્કર્મ આચર્યું, 4 દિવસ પહેલા જોડાયો અને યુવતીને પીંખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા એક પેઇંગ ગેસ્ટ (PG)માં રહેતી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચવામાં આવ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. માત્ર છ-સાત દિવસ પહેલાં જ નોકરી પર રખાયેલા ઉત્તર પ્રદેશનો આરોપી રાત્રિના સમયે ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીના ગળે વાયરનો ટૂંપો દઈને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
ધાબા પરનો દરવાજો બંધ કરી વિદ્યાર્થિનીનું ગળું દબાવ્યું
મળતી માહિતી અનુસાર, આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એક સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા જ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને હેબતપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
ભોગ બનનાર વિદ્યાર્થિની રાત્રિના સમયે સોસાયટીના ધાબા ચાલવા પર ગઈ હતી. આ દરમિયાન સોસાયટીનો સિક્યોરિટી ગાર્ડ ત્યાં પહોંચી ગયો હતો અને ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીએ વિદ્યાર્થિનીનું વાયરથી ગળું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને વિદ્યાર્થિની ધાબા પર જ લોક કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતાં નીચે રહેતા મકાનમાલિકો ઉપર દોડી આવ્યા હતા અને દરવાજો ખોલી પોલીસને જાણ કરી હતી.
10થી વધુ ટીમોએ હેબતપુરથી આરોપીને પકડ્યો
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, LCB ઝોન-7 અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની 10થી વધુ ટીમો બનાવી આખા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સીસીટીવી ફુટેજ ચકાસ્યા બાદ મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી ધરમસિંહને હેબતપુર પાસેથી ઝડપી લીધો હતો. પકડાયેલો આરોપી ધરમસિંહ મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈનો વતની છે અને છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં અવારનવાર આવી અલગ-અલગ જગ્યાએ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

પોલીસ વેરિફિકેશન વગર જ એજન્સીએ ગાર્ડ મૂકી દીધો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માત્ર ચાર દિવસ પહેલાં જ 'એવન સિક્યોરિટી એજન્સી'માં જોડાયો હતો. સિક્યોરિટી એજન્સીએ કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન કે તાલીમ આપ્યા વગર માત્ર ઓળખકાર્ડ લઈને તેને સોસાયટીમાં ગાર્ડ તરીકે તહેનાત કરી દીધો હતો. એજન્સીની આ ગંભીર બેદરકારી બદલ કાયદાકીય નિયમોના ભંગ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
FSL અને DNA ટેસ્ટ સાથે ઝડપી ચાર્જશીટની તૈયારી
પોલીસે પીડિતાને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડી છે. ઘટનાસ્થળેથી FSL ટીમ દ્વારા તમામ પુરાવાઓ અને સીસીટીવી ફુટેજ એકત્ર કરવામાં આવ્યા છે. યુવતીના મેડિકલ અને ડીએનએ (DNA) ટેસ્ટ કરાવીને કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય.
પોલીસની સોસાયટીના હોદ્દેદારોને ખાસ અપીલ
પોલીસ તંત્ર દ્વારા તમામ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને અપીલ કરવામાં આવી છે કે પોતાની સોસાયટીમાં રાખવામાં આવેલા સિક્યોરિટી ગાર્ડની તમામ માહિતી પોલીસને સોંપે અને તેમનું પોલીસ વેરિફિકેશન અવશ્ય ચકાસી લે, જેથી કોઈ પણ ગુનાઈત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ સોસાયટીમાં નોકરી પર ન આવી જાય.




