બાળકો ભણશે ક્યારે? સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકો પર બિનશૈક્ષણિક કામગીરીના ભારણ સામે આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Primary School Teachers Non Educational Workload: પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકો પાસે ચોક-ડસ્ટરને બદલે સરકારી પરિપત્રો અને બિનશૈક્ષણિક કામગીરીનું ભારણ વધી ગયું છે. એક પરિપત્ર પૂરો થાય ત્યાં બીજો હાજર થવાની સ્થિતિ વચ્ચે વર્ગખંડ માટેનો સમય સતત ઘટતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બિનશૈક્ષણિક કામગીરીનું ભારણ શૈક્ષણિક કાર્ય પર અસર:
BLOની કામગીરી પૂર્ણ થયા બાદ હવે વસ્તી ગણતરી, ઓનલાઈન ડેટા એન્ટ્રી, વિવિધ સર્વે અને સરકારી કાર્યક્રમોની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી રહી છે. સતત દોડધામ અને કાગળિયાની કામગીરીના કારણે શિક્ષકોને અભ્યાસક્રમ પૂરો કરવા માટે પૂરતો સમય મળતો નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે.
શિક્ષકો પર વિવિધ કાર્યક્રમોનો બોજ, સમય પહેલાં કસોટીઓ:
શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પ્રશ્નાર્થ અને શિક્ષકોની અન્ય સમસ્યાઓ
શિક્ષકોના જણાવ્યા મુજબ, માત્ર સરકારી કે બિનશૈક્ષણિક કાર્યક્રમો જ નહીં, પરંતુ શૈક્ષણિક વિભાગ દ્વારા સોંપવામાં આવતી કામગીરીઓનું ભારણ પણ ખૂબ મોટું છે. પાયાના શિક્ષણનું મૂલ્યાંકન, પાઠ્યપુસ્તકોની કામગીરી, સમાવેશી શિક્ષણ, 'એક પેડ એક મા કે નામ', પ્રેરણા પુરસ્કાર, બાલમેળો, જીવન કૌશલ્ય, નવા પાઠ્યપુસ્તકોની તાલીમ, ગુણોત્સવ, શિક્ષક પાત્રતા પરીક્ષા અને 'હર ઘર તિરંગા' જેવા વિવિધ અભિયાનો અને ઉત્સવોની જવાબદારી પણ શાળાઓ અને શિક્ષકો પર જ આવે છે. વિદ્યાર્થીઓને પૂરતું ભણાવ્યું ન હોય ત્યાં મૂલ્યાંકન અને કસોટીઓ આવી જતી હોવાથી શિક્ષણની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે.
શિક્ષકોની માગ
શિક્ષકોનો મુખ્ય રોષ કે વિરોધ આ કામો સામે નથી, પરંતુ એક સાથે અનેક જવાબદારીઓ થોપી દેવા સામે છે. એક તરફ સરકાર 'નિપુણ ગુજરાત' જેવા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કરે છે અને શિક્ષણનું સ્તર સુધારવાની વાત કરે છે, તો બીજી તરફ શિક્ષકને વર્ગખંડમાંથી બહાર રાખીને કાગળિયાની કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવે છે. શિક્ષકોનું સ્પષ્ટ માનવું છે કે, માત્ર કસોટીઓ યોજીને કે મૂલ્યાંકનના આંકડા મેળવીને શિક્ષણની ગુણવત્તા સુધરી શકતી નથી. બાળકની વાસ્તવિક જરૂરિયાતોને સમજવા અને તેને પૂરતો સમય આપવા માટે પહેલા શિક્ષકને વર્ગખંડમાં મુક્તપણે ભણાવવાનો અવકાશ મળવો અનિવાર્ય છે.









