PM મોદીના ડિગ્રી વિવાદમાં કેજરીવાલને ઝટકો, હાઈકોર્ટે અપીલ ફગાવતા દંડ યથાવત્ રાખ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Degree : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલી રહેલા કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચે 29 સપ્ટેમ્બર, 2026ના રોજ કેજરીવાલની અપીલ ફગાવી દીધી હતી. કોર્ટે સિંગલ જજના અગાઉના ચુકાદામાં દખલ કરવાનો કોઈ આધાર ન હોવાનું જણાવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદ વર્ષ 2016માં શરૂ થયો હતો. તે સમયે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC)એ ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત માહિતી આપવાનો નિર્દેશ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ CICના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ 31 માર્ચ, 2023ના રોજ સિંગલ જજે CICનો 2016નો આદેશ રદ કર્યો હતો. સાથે જ અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો ખર્ચ લાદવામાં આવ્યો હતો. આ ચુકાદાને કેજરીવાલે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો હતો.
હાઇકોર્ટે શું કહ્યું?
મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે સિંગલ જજના આદેશને યથાવત્ રાખ્યો. કોર્ટે કહ્યું કે કેસના તમામ તથ્યો અને સંજોગોને જોતા અગાઉના ચુકાદામાં દખલ કરવા માટે કોઈ ભૂલ જોવા મળતી નથી. પરિણામે કેજરીવાલની અપીલ ફગાવી દેવામાં આવી અને અગાઉનો 25 હજાર રૂપિયાનો ખર્ચ પણ યથાવત્ રહ્યો. કેજરીવાલ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે તેમના અસીલે વડાપ્રધાનની ડિગ્રી મેળવવા માટે સતત પ્રયાસ કર્યો નહોતો અને CICએ આ મામલે સ્વતઃ કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ, ગુજરાત યુનિવર્સિટી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેજરીવાલના વલણનો વિરોધ કર્યો હતો.
RTI અને ડિગ્રીની માહિતીનો મુદ્દો
સિંગલ જજના ચુકાદામાં વડાપ્રધાનની શૈક્ષણિક ડિગ્રી સંબંધિત માહિતીને RTI કાયદાની કેટલીક જોગવાઈઓ હેઠળ જાહેર કરવાની બાબતે મર્યાદા હોવાનું માનવામાં આવ્યું હતું. આ જ ચુકાદામાં કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો ખર્ચ પણ લાદવામાં આવ્યો હતો. હવે ડિવિઝન બેન્ચે પણ આ નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ સાથે PM મોદીની ડિગ્રી અંગે માહિતી જાહેર કરાવવાની કેજરીવાલની આ કાનૂની અપીલનો ગુજરાત હાઇકોર્ટમાં હાલનો તબક્કો પૂરો થયો છે.




