જામનગર BAMS પેપર લીક વિવાદ: અમદાવાદમાં યુથ કોંગ્રેસ અને NSUIનો દેખાવો, રાજ્ય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar BAMS Paper Leak: જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તાજેતરમાં સામે આવેલા BAMS પેપર લીક પ્રકરણનો વિરોધ હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે. આ મુદ્દે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કરીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
રસ્તા પર સૂત્રોચ્ચાર અને પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત
દેખાવો દરમિયાન કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ ઇન્કમટેક્સ ચાર રસ્તા પર ભેગા થઈ રસ્તા વચ્ચે બેસીને રાજ્ય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે દેખાવો કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દૂર કર્યા હતા.
કોંગ્રેસ નેતાઓના આકરા પ્રહાર
દેખાવો દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યુ હતું કે, 'જામનગરમાં જે રીતે BAMSનું પેપર લીક થયું છે તે દર્શાવે છે કે માત્ર પેપર જ નથી ફૂટી રહ્યા, પરંતુ આખેઆખી સરકાર જ લીકેજ મોડમાં છે. છેલ્લા એક મહિનાથી જંતર મંતર પર NSUI, યુથ કોંગ્રેસ અને Gen Z દ્વારા સતત આંદોલન ચલાવાયું હતું. જો શિક્ષણમંત્રી પોતાના જ જિલ્લામાં પેપરની સુરક્ષા ન કરી શકતા હોય, તો તેઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યની રક્ષા કેવી રીતે કરી શકશે?'
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ અને લડત ચાલુ રાખવાની ચીમકી
કોંગ્રેસના કાર્યકરોએ સ્પષ્ટ માંગણી કરી છે કે જામનગરમાં સતત થતી આવી બેદરકારી બદલ રાજ્યના શિક્ષણમંત્રીએ તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. યુથ કોંગ્રેસ અને NSUIએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી શિક્ષણમંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આજે શરૂ થયેલું આ આંદોલન અને લડત રાજ્યભરમાં સતત ચાલુ રહેશે.









