Ahmedabad

અમદાવાદ: જમાલપુર વોર્ડ સમિતિની બેઠકમાં કાઉન્સિલરના પતિની હાજરીથી વિવાદ, ફોટો વાઈરલ થતાં ‘પતિરાજ’ની ચર્ચા ફરી ગરમ

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના જમાલપુર વોર્ડ સમિતિની 21 ઓગસ્ટની માસિક બેઠકમાં કોંગ્રેસના કાઉન્સિલર નાઝનીન ઠાકોરના પતિ ડો. વસીમ ઠાકોર હાજર રહેતા વિવાદ સર્જાયો છે. દાણાપીઠ મધ્ય ઝોન કચેરીમાં યોજાયેલી બેઠકનો ફોટો વાયરલ થતા, નિયમ મુજબ કાઉન્સિલર સિવાય કોઈ હાજર ન રહી શકે તેમ છતાં તેમની હાજરી પર સવાલો ઉઠ્યા છે. 'પતિરાજ'ની ચર્ચા ફરી શરૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: જમાલપુર વોર્ડ સમિતિની બેઠકમાં કાઉન્સિલરના પતિની હાજરીથી વિવાદ, ફોટો વાઈરલ થતાં ‘પતિરાજ’ની ચર્ચા ફરી ગરમ

Ahmedabad Jamalpur Ward Committee Meeting Controversy: અમદાવાદના જમાલપુર વોર્ડની વોર્ડ સમિતિની માસિક બેઠકમાં કોંગ્રેસના કાઉન્સિલર નાઝનીન ઠાકોરના પતિ ડૉક્ટર વસીમ ઠાકોર હાજર રહેતા વિવાદ સર્જાયો છે. વોર્ડ સમિતિની બેઠકમાં નિયમ મુજબ કોર્પોરેશનના અધિકારીઓ અને મ્યુનિસિપલ કાઉન્સિલર સિવાય અન્ય કોઈ હાજર રહી શકતું ન હોવા છતાં વસીમ ઠાકોરની હાજરીનો ફોટો સામે આવ્યો છે. 21 ઓગસ્ટે દાણાપીઠ મધ્ય ઝોનની કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી બેઠકનો ફોટો વાઈરલ થતાં જમાલપુર વોર્ડમાં કાઉન્સિલરના પતિના વધતા રાજકીય હસ્તક્ષેપને લઈને ચર્ચા ફરી શરૂ થઈ છે.

જમાલપુર વોર્ડ સમિતિની બેઠકમાં કાઉન્સિલરના પતિની હાજરીથી વિવાદ

21 ઓગસ્ટે જમાલપુર વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં જમાલપુર વોર્ડ સમિતિની માસિક બેઠક યોજાઈ હતી. દાણાપીઠ મધ્ય ઝોન કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી બેઠકમાં કોર્પોરેશનના અધિકારીઓ અને મ્યુનિસિપલ કાઉન્સિલરો હાજર રહ્યા હતા. જો કે, આ બેઠકમાં જમાલપુર વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર નાઝનીન ઠાકોરના પતિ ડૉ.વસીમ ઠાકોર પણ હાજર હોવાનું સામે આવ્યું છે. બેઠકનો ફોટો વાઈરલ થયા બાદ હવે નિયમ મુજબ તેઓ બેઠકમાં કેવી રીતે હાજર રહ્યા તે મુદ્દે સવાલો ઊભા થયા છે.

અગાઉ બેઠકમાં પ્રવેશ મુદ્દે અધિકારી સાથે બોલાચાલી

વસીમ ઠાકોરનું વોર્ડ સમિતિની બેઠકમાં હાજરીનું આ પ્રથમ વખતનું પ્રકરણ નથી. અગાઉ પણ વોર્ડ સમિતિની બેઠકમાં હાજર થવા બાબતે તેઓ અને અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રોટોકોલ મુજબ કાઉન્સિલર સિવાય અન્ય વ્યક્તિને બેઠકમાં પ્રવેશની મંજૂરી ન હોવા છતાં તેઓ બેઠકમાં જવા માગતા હતા અને 'હું કેમ ન જઈ શકું?' તેવો સવાલ કરીને અધિકારી સાથે બોલાચાલી કરી હતી.

ધારાસભ્યના નિવેદન બાદ વિવાદ વકર્યો હતો

અગાઉ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મહિલા કોર્પોરેટર નાઝનીન ઠાકોરની વિસ્તારમાં સક્રિયતા અંગે ટિપ્પણી કરી હતી. તેમણે મહિલા કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા છે તો તેમને ફિલ્ડમાં મોકલવા જોઈએ તેવું કહ્યું હતુ. આ નિવેદનથી વસીમ ઠાકોર નારાજ થયા હતા અને મામલો ગરમાયો હતો. તે સમયે વસીમ ઠાકોરે આક્રોશ વ્યક્ત કરીને આગામી ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ સિવાય અપક્ષ તરીકે લડવાની ચીમકી પણ આપી હતી. આ ઉપરાંત શહેર પ્રમુખ સોનલ પટેલ સાથે પણ વસીમ ઠાકોરની બોલાચાલી થઈ હોવાની ચર્ચા છે.

કોર્પોરેશનની ડાયરીમાં પતિનો મોબાઇલ નંબર મૂકાતા પણ વિવાદ

જમાલપુર વોર્ડમાં અગાઉ કોર્પોરેશનની ડાયરીમાં મહિલા કાઉન્સિલર નાઝનીન ઠાકોરના બદલે તેમના પતિ વસીમ ઠાકોરનો મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યો હોવાનો મુદ્દો પણ વિવાદનું કારણ બન્યો હતો. આ ઘટનાને લઈને 'પતિરાજ' તરીકે ચર્ચા શરૂ થઈ હતી. હવે વોર્ડ સમિતિની બેઠકમાં પણ તેમના હાજર રહેવાનો ફોટો વાઈરલ થતાં આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

આ પણ વાંચો: સુરત: એરહોસ્ટેસ અને ક્લાસિકલ ડાન્સર માનસી બની ડ્રગ સપ્લાયર, પલસાણામાં ₹29 લાખના MD ડ્રગ્સ સાથે 2 ઝડપાયા

અધિકારીઓ પણ કંટાળ્યા હોવાની ચર્ચા

કાઉન્સિલરના પતિના વોર્ડની કામગીરીમાં વધુ પડતા ઇન્વોલ્વમેન્ટને કારણે જમાલપુર વોર્ડના અધિકારીઓ પણ કંટાળી ગયા હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ અંગે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે. એક તરફ વોર્ડ સમિતિની બેઠકોમાં પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની છે, ત્યારે બીજી તરફ કાઉન્સિલરના પતિની બેઠકમાં હાજરીનો ફોટો વાઈરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. હવે આ બેઠકમાં વસીમ ઠાકોરને કઈ રીતે પ્રવેશ મળ્યો અને તેમની હાજરી અંગે અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.