Ahmedabad

અમદાવાદ: ઇસનપુરમાં દેવું ચૂકવવા સગી સાળીએ બનેવીના ઘરમાં 50 લાખનો હાથફેરો કર્યો, પકડાઈ જતાં ગુનો કબૂલ્યો

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઈસનપુરના રોયલ નવાબ ફ્લેટમાં 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. નદીમમીયા બાગબાનના ઘરમાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો કે, ફરિયાદીની સગી સાળી ફરહાનાઝ પઠાણે જ આ ચોરી કરી હતી. ભાણેજોને ભોળવી સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવી ગુનો આચર્યો હતો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ઇસનપુરમાં દેવું ચૂકવવા સગી સાળીએ બનેવીના ઘરમાં 50 લાખનો હાથફેરો કર્યો, પકડાઈ જતાં ગુનો કબૂલ્યો

Ahmedabad Theft Case: અમદાવાદના ઈસનપુરમાં આવેલા શાહઆલમ નજીકના રોયલ નવાબ ફ્લેટમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અહીં રહેતા નદીમમીયા બાગબાન પરિવાર સાથે બહાર જમવા ગયા હતા, ત્યારે તેમના ઘરમાંથી અંદાજિત 50 લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. ઘરના મુખ્ય દરવાજે લગાવેલા સ્માર્ટ લોકમાં કોઈ તોડફોડ થઈ ન હોવાથી પોલીસને ઘરના જ કોઈ સભ્ય કે પરિચિત પર શંકા હતી. ત્યારબાદ ઈસનપુર પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ચોરી કોઈ બહારની ગેંગે નહીં, પરંતુ નીચેના માળે જ રહેતી ફરિયાદીની સગી સાળી ફરહાનાઝ પઠાણે કરી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2026-07-30 at 5.47.55 PM.jpeg

ભાણેજોને ભોળવીને સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવ્યો

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી ફરહાનાઝની માતાએ એક ફાઇનાન્સ કંપનીમાંથી 14 લાખ રૂપિયાની લોન લીધી હતી. જેનો હપ્તો ભરવાની વ્યવસ્થા ન થતાં તેણે પોતાની બહેન-બનેવીના ઘરમાં જ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી અવારનવાર બહેનના ઘરે જતી હોવાથી તેણે પોતાની બે નાની ભાણેજોને વાતોમાં ભોળવીને મેઈન દરવાજાના સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવી લીધો હતો. એટલું જ નહીં, દાગીના કયા કબાટમાં રાખેલા છે અને તેની ચાવી ક્યાં મૂકવામાં આવે છે તેની પણ તેને પૂરી જાણકારી હતી. રવિવારે રાત્રે પરિવાર બહાર ગયો હોવાની તકનો લાભ ઉઠાવીને તેણે પાસવર્ડથી દરવાજો ખોલીને આસાનીથી ચોરીને અંજામ આપ્યો હતો.

આરોપી મહિલાએ ગુનો કબૂલ્યો

ચોરી કર્યા બાદ ફરહાનાઝ દાગીના ભરેલું પર્સ લઈને તરત જ પોતાના મિત્ર સાદીકઅલીને મળવા ગઈ હતી અને પર્સ સાચવવા આપવાના બહાને તેના સ્કૂટરની ડેકીમાં મુકાવી દીધું હતું. ઈસનપુર પોલીસે શંકાના આધારે ફરહાનાઝની ગહન પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

WhatsApp Image 2026-07-30 at 5.47.55 PM (1).jpeg

પોલીસે તેના મિત્રને આ બાબતે જાણ કરી પોલીસ સ્ટેશન બોલાવતા, તેણે ચોરીનો તમામ મુદ્દામાલ રજૂ કર્યો હતો. પોલીસે ચોરાયેલા દાગીના અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ હેમખેમ કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.