Ahmedabad

​અમદાવાદના નારોલમાં નંબર પ્લેટ વગરની કારમાંથી રૂ. 21.15 લાખની કિંમતની નશાકારક કફ સિરપ ઝડપાઈ

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નારોલ ચાર રસ્તા પાસેથી પોલીસે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારમાંથી ગેરકાયદેસર કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપની 1798 બોટલ જપ્ત કરી છે. પોલીસે દાણીલીમડાના 2 આરોપીઓની ધરપકડ કરી, રૂ. 21.15 લાખનો જથ્થો કબજે કર્યો. આ નશાકારક જથ્થો જુહાપુરાના એક વ્યક્તિએ આપ્યો હોવાનું સામે આવતા, પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

​અમદાવાદના નારોલમાં નંબર પ્લેટ વગરની કારમાંથી રૂ. 21.15 લાખની કિંમતની નશાકારક કફ સિરપ ઝડપાઈ

Ahmedabad Crime About Cough Syrup News : નારોલ ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ બિઝનેસ પાર્ક નજીકથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારમાંથી ગેરકાયદે કોડીન ફોસ્ફેટ યુક્ત નશાકારક કફ સિરપની 1798 પકડી છે. પોલીસે આ સિરપનો જથ્થો લઇ જનાર દાણીલીમડાના બે આરોપીઓની ધરપકડ કરી રૂ. 21.15 લાખની કફ સિરપ જપ્ત કરી છે. આ નશાકારક જથ્થો જુહાપુરાના વ્યક્તિએ આપ્યો હોવાનું સામે આપતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

નારોલ પોલીસે બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરની એક કાળા કલરની કારમાં નશાયુક્ત કફ સિરપનો જથ્થો ભરીને નારોલ ચાર રસ્તા સર્વિસ રોડ પર કોટક મહિન્દ્રા બેંકવાળી ગલીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે સ્કોર્પિયો કારને કોર્ડન કરી તપાસ કરતા અંદર બેઠેલા નવાઝહુસેન મુકદસહુસેન શેખ (ઉં.વ. 23, રહે. ઇંડાવાળી ગલી, બેરલ માર્કેટ, દાણીલીમડા) અને સરવરખાન બિસ્મીલ્લાહખાન પઠાણ (ઉં.વ. 26, રહે. અલ્લાહનગર, દાણીલીમડા) મળી આવ્યા હતા.

કારની વચ્ચેની સીટમાંથી 'TO CHANGODAR, C/NEE ASHAPURA MEDICAL STORE' માર્કિંગવાળા 18 પૂંઠાના બોક્સ મળ્યા હતા. બોક્સ ખોલતાં તેમાંથી 100 મિલીની 'CADIFOS-T' બ્રાન્ડની 1798 સીલબંધ બોટલો મળી આવી હતી. આરોપીઓ પાસે આ જથ્થો રાખવા અંગેનું કોઈ કાયદેસર લાયસન્સ નહોતું. પ્રાથમિક તપાસમાં આ પ્રવાહીમાં એનડીપીએસ એક્ટ હેઠળ આવતું પ્રતિબંધિત 'કોડીન ફોસ્ફેટ' હોવાની પુષ્ટિ થઈ હતી.

ઝડપાયેલા નવાઝહુસેન શેખની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ કફ સિરપનો જથ્થો તેના મિત્ર મોઇન સૈયદ (રહે. જુહાપુરા, અમદાવાદ) પાસેથી પોર્ટર મારફતે મંગાવ્યો હતો અને તેઓ તેનો છૂટકમાં વેપાર કરતા હતા. કાર તે તેના મિત્ર મુસીબ પાસેથી ફરવા જવાના બહાને લાવ્યો હતો. આ મામલે નારોલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચાંગોદરના મેડિકલ સ્ટોરના નામે પાર્સલ મંગાવ્યું હતું

કારમાંથી જપ્ત કરાયેલા પૂંઠાના બોક્સ પર ટ્રાન્સપોર્ટની પેકિંગ સ્લિપ લાગેલી હતી, જેના પર 'TO CHANGODAR, C/NEE ASHAPURA MEDICAL STORE' લખેલું હતું. આરોપીઓએ મેડિકલ એજન્સીના બોગસ કે સાચા નામે આ નશાકારક દવાઓ ટ્રાન્સપોર્ટ મારફતે ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદ મંગાવી હોવાની શક્યતાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.