Ahmedabad

ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાને બદલે ભારતીય જેલમાં જલસા? NIA અને કેન્દ્રના વહીવટ પર કોર્ટના આકરા સવાલો!

By GS Team
28 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદની NIA કોર્ટે 2019માં કચ્છ નજીકથી ઝડપાયેલા 6 પાકિસ્તાની ઘૂસણખોરોને 8 વર્ષની જેલ અને ₹25-25 હજારનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સ અને આતંકવાદી પ્રવૃત્તિના આરોપોમાંથી નિર્દોષ છૂટ્યા, પરંતુ પાસપોર્ટ વિના ઘૂસણખોરી બદલ સજા થઈ. ભારતીય જેલોમાં ક્ષમતાથી વધુ કેદીઓ હોવા છતાં, તેમને તાત્કાલિક ડિપોર્ટ કરવાને બદલે ભારતમાં જ રાખવામાં આવી રહ્યા છે, જે ખર્ચનો બોજ વધારી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાને બદલે ભારતીય જેલમાં જલસા? NIA અને કેન્દ્રના વહીવટ પર કોર્ટના આકરા સવાલો!

Pakistani Infiltrators: પાકિસ્તાની ઘૂસણખોરોને તુરંત જ કાઢી મુકવાના બદલે ભારતની જેલોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. ગુજરાત અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં આ તે કેવો વહીવટ ચાલી રહ્યો છે? છ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં કચ્છના જખૌ નજીક જળસીમામાંથી પાસપોર્ટ-વિઝા વગર ઝડપાયેલા છ પાકિસ્તાની ઘૂસણખોરોને અમદાવાદની વિશેષ એનઆઈકની કોર્ટે આઠ વર્ષની કેદની સજા કરી છે. આ પાકિસ્તાનીઓને તાત્કાલિક પાકિસ્તાન પરત ડિપોર્ટ કરવાના બદલે પહેલા તો છ વર્ષ સાચવ્યા હવે વધુ આઠ વર્ષ સાચવવા પડશે, પહેલાથી જ દેશની જેલોમાં ક્ષમતા કરતા વધુ સ્થાનિક કેદીઓ છે એવામાં હવે આ પાકિસ્તાની કેદીઓને ઝડપાય ત્યારે જ ડિપોર્ટ કરવાના બદલે ભારતીય જેલોમાં રખાય છે જેનાથી આ કેદીઓને સાચવવા પાછળના ખર્ચનો બોજ પણ વધી રહ્યો છે.

સરહદે સબ સલામતના કેન્દ્રના દાવા વચ્ચે ગુજરાત સહિતની સરહદોએ પાકિસ્તાનીઓ, ડ્રગ્સ તસ્કરો કેમ ઘૂસી રહ્યા છે તે ચર્ચાતો સવાલ

આ કેસની હકીકત એવી છે કે કચ્છના જખૌ નજીક ભારતીય જળસીમામાંથી વર્ષ 2019માં 217 કિલોગ્રામ ડ્રગ્સ પકડાવાના ચકચારી કેસમાં એનઆઈઓની સ્પેશિયલ કોર્ટે છ પાકિસ્તાની નાગરિકો અને એક ભારતીય નાગરિકને એનડીપીએસ એક્ટ, યુએપીએ (આતંકવાદી પ્રવૃત્તિઓ) અને ક્રિમિનલ ષડયંત્ર જેવા ગંભીર ગુનાઓમાંથી શંકાના લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યા છે. જોકે, પાકિસ્તાની નાગરિકોને પાસપોર્ટ વિના ભારતમાં ઘૂસણખોરી કરવા બદલ (ફોરેનર્સ એક્ટ હેઠળ) આઠ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સજા પામેલા પાકિસ્તાની આરોપીઓમાં આરોપી સફદર અલી, ઈલાહી દાદ, અઝીમ ખાન, અબ્દુલ અજીઝ, અબ્દુલ ગફૂર અને મોહમ્મદ મલ્લાહનો સમાવેશ થાય છે. કોર્ટે તમામને 25-25 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

નોંધનીય છે કે ભારતમાં આશરે કુલ 1330 જેટલી જેલો છે જેમાં 5.11 લાખથી 5.30 લાખ જેટલા કેદીઓ કેદ છે. જ્યારે આ જેલોની કુલ ક્ષમતા માત્ર 4.5 લાખ જેટલા કેદીઓને રાખવાની જ છે. ઓવર ક્રાઉડ જેલોમાં હવે પાકિસ્તાની કેદીઓની સંખ્યા વધી રહી છે. હાલ ભારતની વિવિધ જેલોમાં 439 પાકિસ્તાની કેદીઓ છે, જેમાંથી 53 જેટલા માછીમારો છે. પહેલાથી જ આટલા પાકિસ્તાની કેદીઓને આપણી જેલો સાચવી રહી છે અને તેની પાછળ મોટો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએએ વધુ છ પાકિસ્તાનીઓને ઝડપાયા ત્યારે જ કાઢી મુકવાના બદલે છ વર્ષ સુધી તેમને સાચવ્યા અને એવી કલમો અને કાયદાનો ઉપયોગ કર્યો કે જેથી તેઓને વધુ આઠ વર્ષ સુધી સાચવવા પડશે. કોર્ટ પણ ઇચ્છે તો કેદીઓ પાછળના આ ખર્ચના બોજને હળવો કરવા માટે આ પૂસણખોર પાકિસ્તાનીઓને તાત્કાલીક કાઢી મુકવા આદેશ આપી શકે,
અન્ય એક ચર્ચાનો સવાલ એ છે કે સરકાર સરહદે સબ સલામતના દાવા કરી રહી છે. ત્યારે આટલા બધા પાકિસ્તાનીઓ કેવી રીતે ઘૂસી રહ્યા છે? જો ઘૂસણખોરીને સરહદે જ રોકી દેવામાં આવે અને તાત્કાલીક પરત મોકલી દેવામાં આવે તો કોર્ટ કાર્યવાહી અને આ જેલમાં તેને સાચવવાનો મામલો પેદા ના થાય.

કેસ શું છે અને એજન્સીની તપાસ પર કોર્ટે કેમ સવાલ કર્યા?

અમદાવાદની સ્પેશિયલ એનઆઈએ કોર્ટના જજ હેમાંગ રાજેન્દ્ર રાવલે ૧૫૧ પાનાના વિસ્તૃત ચૂકાદામાં નોંધ્યું હતું કે, પ્રોસિક્યુશન કડીબદ્ધ પુરાવાઓ રજૂ કરવામાં સદ્ંતર નિષ્ફળ રહ્યું છે. તપાસ એજન્સીઓએ એનડીપીએસ એક્ટની કલમ ૪૨(૧) અને ૪૨(૨)નું પાલન કર્યું નથી. ગુપ્ત બાતમી મળવા છતાં માહિતી લેખિતમાં નોંધવામાં કે ઉપરી અધિકારીને નિર્ધારિત સમયમાં મોકલવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. જહાજના લોગબુક અને વાયરલેસ મેસેજના રેકોર્ડ પણ કોર્ટમાં વ્યવસ્થિત રીતે રજૂ કરી શકાયા નહોતા. જ્યારે કોસ્ટ ગાર્ડના જહાજે પાકિસ્તાની બોટને આંતરી, ત્યારે આરોપીઓ દ્વારા ડ્રગ્સ ફેંકવામાં આવ્યું હોવાની વાર્તામાં કોર્ટને ઘણા વિરોધાભાસ જોવા મળ્યા. કોર્ટ સમક્ષ તપાસ અધિકારીઓ અને પંચના સાક્ષીઓના નિવેદનોમાં એકરૂપતા જોવા મળી નહોતી.