ઓટીપી આપ્યા વગર વકીલના ખાતામાંથી ₹7 લાખ ગાયબ! અમદાવાદમાં સાયબર ફ્રોડના 3 બનાવમાં ₹9 લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Crime: અમદાવાદ શહેરમાં સાયબર ગઠિયાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવીને નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. શહેરમાં સાયબર ફ્રોડના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં ગોતાના એક વકીલ સહિત ત્રણ લોકો સાથે મળીને કુલ રૂ. 9.62 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરાઈ છે. ત્રણેય મામલે સાયબર ક્રાઈમમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ગેસ બિલના નામે વકીલના મોબાઈલનું એક્સેસ મેળવી 7.90 લાખ ઉપાડ્યા
ગોતા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય વકીલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ગેસ કંપનીનો કર્મચારી હોવાની ઓળખ આપી ગેસ બિલ બાકી હોવાનું જણાવી બિલની વિગતો જોવાના બહાને વોટ્સએપ પર એક APK ફાઈલ મોકલી હતી. વકીલે આ ફાઈલ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ખુલી નહોતી. ત્યારબાદ ગઠિયાએ ઓટીપી માંગતા વકીલે શંકા જતાં ઓટીપી આપવાનો ઈનકાર કર્યો હતો અને બૅંકમાં જઈ ખાતું બ્લોક કરાવ્યું હતું.
ત્યારબાદ ગઠિયાઓએ મોબાઈલ સીમ કંપનીના કર્મચારી બનીને ફરી કોલ કરતાં વકીલે બૅંક સ્ટેટમેન્ટ તપાસ્યું હતું, જેમાં તેમના ખાતામાંથી 5 લાખ અને 2.90 રૂપિયા લાખ મળી કુલ 7.90 લાખ રૂપિયા ઉપડી ચૂક્યા હોવાનું સામે આવ્યું હતું. ઓટીપી શેર ન કર્યો હોવા છતાં APK ફાઈલ દ્વારા મોબાઈલનું રિમોટ એક્સેસ મેળવી આ ઠગાઈ આચરાઈ હોવાનું ખુલતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે.
ટેલિગ્રામ પર બિટકોઇન ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી 76 હજાર પડાવ્યા
બીજા બનાવમાં શાહપુર વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતીએ ટેલિગ્રામ પર બિટકોઇન ટ્રેડિંગ સંબંધિત એક ચેનલ જોઈ હતી. તેમાં અન્ય સભ્યોના નફાના નકલી સ્ક્રીનશોટ્સ જોઈ યુવતીએ શરૂઆતમાં 3,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગઠિયાઓએ વર્ચ્યુઅલ પ્રોફિટ બતાવી રકમ ઉપાડવા માટે SIP અને GSTના નામે કટકે-કટકે કુલ 76 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. કોઈ વળતર કે મૂળ રકમ પરત ન મળતાં યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વેબ સિરીઝ જોવા APK ફાઈલ ઇન્સ્ટોલ કરતાં બૅંક ખાતું હેક થઈ 96 હજાર ગાયબ
ત્રીજા બનાવમાં નવરંગપુરાના 19 વર્ષીય યુવકે ઇન્સ્ટાગ્રામ પર વેબ સિરીઝ જોવાની જાહેરાત પર ક્લિક કરીને એક અજાણી APK ફાઈલ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી હતી. ફાઈલ ડાઉનલોડ થયા બાદ કોઈ સિરીઝ શરૂ થઈ નહોતી અને મોબાઈલ હેંગ થવા લાગતાં યુવકે ફાઈલ ડિલીટ કરી દીધી હતી. થોડા દિવસો બાદ યુવકે બૅંક એકાઉન્ટ ચેક કરતાં તેના ખાતામાંથી 96 હજાર રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી. તપાસમાં APK ફાઈલ મારફતે ફોન હેક થયો હોવાનું સ્પષ્ટ થતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.




