Ahmedabad

અમદાવાદમાં પતિની કરતૂત પકડાઇ, પહેલી પત્નીથી છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રહેતી એક મહિલાને તેના પતિએ છુટાછેડા નહી આપીને ઇન્દોરમાં અન્ય મહિલા સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વિગતો એવી છે કે આરોપી પતિએ તેની સગી પુત્રીને તેના મોટાભાઇની દીકરી તરીકે ઓળખ આપી હતી

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પતિની કરતૂત પકડાઇ, પહેલી પત્નીથી છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા

Ahmedabad Crime News : અમદાવાદ શહેરના ન્યુ રાણીપમાં રહેતી મહિલા સાથે તેના પતિએ છેતરપિંડી કરીને છુટાછેડાના એફીડેવિટ પર સહી કરાવીને ઇન્દોરામાં રહેતી મહિલા સાથે ગેરકાયદે લગ્ન કરી લીધાની ફરિયાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આરોપી પતિએ બીજા લગ્ન કર્યા તે સ્ત્રી અને તેના પરિવારજનોને તેની પ્રથમ પત્ની અને પુત્રી તેના મોટાભાઇની પત્ની પુત્રી હોવાની ઓળખ આપીને છેતર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

શહેરના ન્યુ રાણીપમાં રહેતા 40 વર્ષીય રેખાબેન ગાંધીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે વર્ષ 2008માં તેમણે નિમેષ ગાંધી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ઘાટલોડિયા ખાતે રહેતા હતા. વર્ષ 2009માં તેમને દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ નિમેષે સ્વભાવ બદલી નાખ્યો હતો અને મારઝુડ કરતો હતો. છેલ્લાં ઘણા મહિનાઓથી તે રેખાબેન પાસે છુટાછેડા માંગતો હતો. પરંતુ, રેખાબેન સહી ન કરતા તેમને ધમકાવતો હતો. ત્યારબાદ તેને વિદેશમાં નોકરીમાં જવાનું હોવાનું કહીને છેતરપિંડી કરીને છુટાછેડાના સોંગધનામા પર સહી કરાવી લીધી હતી.

ગત માર્ચ મહિનામાં તે રેખાબેનની જાણ બહાર દીકરીને ઇન્દોર લઇ ગયો હતો અને તેની દીકરીની હાજરીમાં જ ઇન્દોરમાં જ રહેતી મનીષા ગૌલીયા નામની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે નિમેષે પોતે અપરિણીત હોવાનું કહ્યું હતું. એટલું જ નહી આ લગ્નમાં નિમેષની બહેન અને બનેવી પણ હાજર હતા. અમદાવાદ પરત આવીને રેખાબેનને જાણવા મળ્યું હતું કે નિમેષે તેની દીકરીને મારવાની ધમકી આપીને ડરાવી દીધી હતી અને તે તેના મોટાભાઇની દીકરી છે તેવી રીતે ઓળખ આપી હતી. જેથી રેખાબેને ઇન્દોર ખાતે જઇને મનીષાને તમામ હકીકતથી વાકેફ કરી હતી.ત્યાં તેને જાણવા મળ્યું હતું કે નિમેષે રેખાબેન પાસેથી લીધેલા નાણાંથી ઇન્દોરમાં મકાન પણ લીધુ હતું. આમ, પતિ નિમેષ ગાંધીની કરતુત અંગે રેખાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.