PSI ભરતી માટે સરકારના 15 વર્ષના સંયુક્ત સેવા નિયમને હાઈકોર્ટની મંજૂરી, પડકારતી અરજીઓ ફગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PSI Recruitment: ગુજરાત હાઈકોર્ટે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (બિન હથિયારધારી) વર્ગ-3ની ભરતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત ભરતી નિયમોને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભરતી માટે 15 વર્ષની સંયુક્ત સેવા ફરજિયાત રાખવાની શરત સરકારની નીતિવિષયક બાબત છે તેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં.
'ગેરકાયદેસરતા કે બંધારણીય ખામી ન હોય ત્યાં સુધી કોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે'
અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટના જસ્ટિસ નિરલ મહેતા ટાંક્યું કે કોઈ ભરતીનો નિયમ કેટલાક ઉમેદવારો માટે પ્રતિકૂળ અસર કરતો હોય એટલા માત્રથી તેને ગેરબંધારણીય અથવા મનસ્વી કહી શકાય નહીં. ભરતી માટેની લાયકાત નક્કી કરવી એ નિયમ બનાવનાર સત્તાધિકારીના નીતિગત નિર્ણયનો વિષય છે અને તેમાં સ્પષ્ટ ગેરકાયદેસરતા કે બંધારણીય ખામી ન હોય ત્યાં સુધી કોર્ટ હસ્તક્ષેપ કરતી નથી.આ કારણોસર હાઈકોર્ટે તમામ અરજીઓમાં કોઈ જ તથ્ય નહી હોવાનું માનીને તેને ફગાવી દીધી હતી. સાથે જ કેસ સાથે સંકળાયેલી તમામ સિવિલ અરજીઓ પણ રદ કરવામાં આવી છે.
અરજદારોએ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા
કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે અરજદારોએ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (બિનહથિયારધારી) વર્ગ-3 ભરતી નિયમો, 2020ની કલમ 2(બ)(ii) અથવા ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા નિયમો, 2024ની કલમ 3 મનસ્વી, ગેરવાજબી અથવા બંધારણની કલમ 14 અને 16નું ઉલ્લંઘન કરે છે.
13 વર્ષ સુધી આ નિયમને કોઈ પડકાર ન આપ્યો
કોર્ટે એ પણ નોંધ્યું કે અરજદારોની નિમણૂક વર્ષ 2011માં થઈ હતી, જ્યારે ભરતી માટે 15 વર્ષની સંયુક્ત સેવાની લાયકાત વર્ષ 2012માં નિયમોમાં સુધારા કરીને ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ અનેક ભરતી પ્રક્રિયાઓ યોજાઈ હોવા છતાં અરજદારોએ લગભગ 13 વર્ષ સુધી આ નિયમને કોઈ પડકાર આપ્યો નહોતો. માત્ર વર્ષ 2025ની ભરતી જાહેરાતમાં તેઓ અયોગ્ય ઠરતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણની કલમ 226 હેઠળની સત્તાનો ઉપયોગ કરતી વખતે પણ અદાલત નિયમ બનાવનાર સત્તાધિકારીની ભૂમિકા ભજવી શકતી નથી અને નીતિગત નિર્ણયોમાં મર્યાદિત હસ્તક્ષેપ જ કરી શકે છે.









