Ahmedabad

દોઢ ઈંચ વરસાદમાં અમદાવાદની ખસ્તા હાલત, વંદે માતરમ રોડ પર ટ્રાફિક જામ, મીઠાખળી અંડરપાસ ત્રણ કલાક માટે બંધ રાખવો પડ્યો

By GS Team
13 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રવિવારે સાંજે વાતાવરણ પલટાતા વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના અનેક વિસ્તારોમાં 1.5 થી 2.5 ઇંચ વરસાદ પડતાં પાણી ભરાયા હતા. ગોતા, નિકોલ, રાણીપ, નરોડા સહિતના વિસ્તારોમાં વાહનવ્યવહારને અસર થઈ. મીઠાખળી અંડરપાસ બંધ કરાયો અને કુબેરનગર અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા. સૌથી વધુ 65 મિ.મી. વરસાદ હંસપુરામાં નોંધાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

દોઢ ઈંચ વરસાદમાં અમદાવાદની ખસ્તા હાલત, વંદે માતરમ રોડ પર ટ્રાફિક જામ, મીઠાખળી અંડરપાસ ત્રણ કલાક માટે બંધ રાખવો પડ્યો

Ahmedabad Heavy Rain: અમદાવાદ શહેરમાં રવિવારે(13 સપ્ટેમ્બર) સાંજે અચાનક વાતાવરણ પલટાયું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે 4 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે થોડા જ સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી હતી. શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ગોતા, નિકોલ, રાણીપ, નરોડા સહિતના અનેક વિસ્તારોમાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી હતી.

ગોતા-નિકોલથી રાણીપ-નરોડા સુધી પાણી ભરાયાં

ગોતા વિસ્તારમાં ભારે પાણી ભરાતાં રસ્તાઓ પર વાહનવ્યવહારને અસર થઈ હતી. વંદે માતરમ આઇકોનિક રોડ પર પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામ થયો હતો. ન્યૂ રાણીપથી વંદે માતરમ તરફ જતા માર્ગ પર પડેલા મોટા ખાડામાં કોર્પોરેશનની ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ગાડી પણ ફસાઈ ગઈ હતી.

ચાંદલોડિયામાં ઉમા શરણમ ફ્લેટ બહાર રોડ બેસી જતાં એક ફોર-વ્હીલર તેમાં ફસાઈ ગઈ હતી. વરસાદના કારણે રસ્તાઓ પર સર્જાયેલી આવી સ્થિતિથી સ્થાનિકોમાં પણ મુશ્કેલી જોવા મળી હતી. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. સૈજપુર ટાવર અને ડી-કેબિન નજીક આબુનગર સોસાયટી બહાર ઢીંચણસમા પાણી ભરાયા હતા. નિકોલના શુકન ચાર રસ્તા પાસે પાણી ભરાતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

આ ઉપરાંત નિર્ણયનગર અંડરપાસ બહાર, પુનિતનગર ક્રોસિંગ, કાળીગામ અર્બન હેલ્થ સેન્ટર બહાર અને ચાંદખેડા-ત્રાગડ રોડ પર પણ પાણી ભરાયાં હતાં. પરિણામે અનેક સ્થળોએ વાહનચાલકોને ધીમા વાહને પસાર થવું પડ્યું હતું.

મીઠાખળી અંડરપાસ બંધ કરવો પડ્યો

ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મીઠાખળી અંડરપાસ સાંજે 4.40 કલાકે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પંપિંગ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો અને પાણી હટાવ્યા બાદ અંદાજે 7.30 વાગ્યાની આસપાસ અંડરપાસ ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

Gujarat Samachar - 2026-09-13T213750.160.jpg

અંડરપાસમાં પણ પાણી ભરાયાં

કુબેરનગર અંડરપાસમાં પણ પાણી ભરાયું હતું. અહીં કેટલાક વાહનચાલકો અને ટુ-વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. શહેરના વિવિધ માર્ગો પર પાણી ભરાવાથી રવિવારે સાંજે બહાર નીકળેલા નાગરિકોને ટ્રાફિકમાં અટવાવાનો વારો આવ્યો હતો.

હંસપુરામાં સૌથી વધુ 65 મિ.મી. વરસાદ

શહેરમાં સૌથી વધુ હંસપુરામાં 65 મિ.મી. વરસાદ નોંધાયો હતો. મોટેરામાં 61.50 મિ.મી., નરોડામાં 55 મિ.મી., દુધેશ્વરમાં 54.50 મિ.મી., રાણીપમાં 50.50 મિ.મી. અને સરદારનગરમાં 50 મિ.મી. વરસાદ પડ્યો હતો.

કોતરપુરમાં 48.50 મિ.મી., નિકોલમાં 48 મિ.મી., નવરંગપુરામાં 47.50 મિ.મી., જોધપુર ઝોનલમાં 46 મિ.મી., જોધપુરમાં 45 મિ.મી. અને ચાંદખેડામાં 44.50 મિ.મી. વરસાદ નોંધાયો હતો. આમ, શહેરના વિવિધ વિસ્તારોમાં 14.50 મિ.મી.થી લઈને 65 મિ.મી. સુધી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: 12 કલાકમાં અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ?

શહેરના કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો

  • ચકુડીયા 20.50 મિ.મી.
  • ઓઢવ 19.50 મિ.મી.
  • વિરાટનગર 29.00 મિ.મી.
  • નિકોલ 48.00 મિ.મી.
  • રામોલ 36.50 મિ.મી.
  • કઠવાડા 41.00 મિ.મી.
  • વસ્ત્રાલ 19.00 મિ.મી.
  • ટાગોર 24.00 મિ.મી.
  • ઉસ્માનપુરા 36.00 મિ.મી.
  • ચાંદખેડા 44.50 મિ.મી.
  • વાસણા 29.00 મિ.મી.
  • રાણીપ 50.50 મિ.મી.
  • નવરંગપુરા 47.50 મિ.મી.
  • મોટેરા 61.50 મિ.મી.
  • બોડકદેવ 18.00 મિ.મી.
  • સાયન્સ સિટી 21.50 મિ.મી.
  • ગોતા 43.50 મિ.મી.
  • ચાંદલોડીયા 37.00 મિ.મી.
  • થલતેજ 19.00 મિ.મી.
  • ઓગણજ 25.00 મિ.મી.
  • મેમનગર 20.50 મિ.મી.
  • સરખેજ 26.50 મિ.મી.
  • જોધપુર 45.00 મિ.મી.
  • જોધપુર ઝોનલ 46.00 મિ.મી.
  • બોપલ 42.00 મિ.મી.
  • મક્મતપુરા 14.50 મિ.મી.
  • બાકરોલ 20.00 મિ.મી.
  • મ્યુનિ. કોર્પોરેશન 18.50 મિ.મી.
  • દુધેશ્વર 54.50 મિ.મી.
  • કાલુપુર 33.50 મિ.મી.
  • અસારવા 31.00 મિ.મી.
  • મેમ્કો 31.50 મિ.મી.
  • નરોડા 55.00 મિ.મી.
  • કોતરપુર 48.50 મિ.મી.
  • સરદારનગર 50.00 મિ.મી.
  • હંસપુરા 65.00 મિ.મી.
  • મણીનગર 20.00 મિ.મી.
  • વટવા 30.50 મિ.મી.
  • ઈન્દ્રપુરી 33.50 મિ.મી.
  • લાંભા 24.00 મિ.મી.