Ahmedabad

12 કલાકમાં અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ?

By GS Team
13 Sep 20264 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમ વચ્ચે રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ 200 તાલુકામાં વરસાદ નોંધાયો. અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં હંસપુરામાં સૌથી વધુ 2.54 ઇંચ વરસાદ પડ્યો. પંચમહાલ, તાપી અને અમરેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતો અને જનતાને રાહત મળી. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને 80,259 ક્યુસેક થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

12 કલાકમાં અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ?

Ahmedabad Rain, Gujarat Rainfall: ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના આંકડા મુજબ, રવિવારે(13 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સાંજે કાળા-ડિબાંગ વાદળો વચ્ચે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જાણો ક્યાં-કેટલો વરસાદ પડ્યો.

અમદાવાદમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ

અમદાવાદમાં આજે(13 સપ્ટેમ્બર) વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ગત રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ત્યારે આજે(13 સપ્ટેમ્બર) અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવાવાડજ, રાણીપ, જગતપુર, એસજી હાઇવે, ગોતા, મકરબા, જુહાપુરા, સરખેજ, આનંદનગર સહિતમાં વરસાદી માહોલ સક્રિય થયો છે.

GujaratSamachar-2026-09-13T170737.581-ezgif.com-video-to-gif-converter.gif

અમદાવાદના 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ

  • હંસપુરા: 2.54 ઇંચ
  • મોટેરા: 2.20 ઇંચ
  • નરોડા: 2.15 ઇંચ
  • દુધેશ્વર: 1.95 ઇંચ
  • સરદારનગર: 1.91 ઇંચ
  • નિકોલ: 1.81 ઇંચ
  • રાણીપ: 1.69 ઇંચ
  • ચાંદખેડા: 1.65 ઇંચ
  • નવરંગપુરા: 1.59 ઇંચ
  • કઠવાડા: 1.48 ઇંચ

આજે સવારે 6 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં સરેરાશ 1.05 ઇંચ વરસાદ નોંધાયો. શહેરના ઉત્તરમાં આવેલા હંસપુરા વિસ્તારમાં સૌથી વધુ 2.54 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે નરોડામાં 2.15 ઇંચ અને સરદારનગરમાં 1.91 ઇંચ વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં મોટેરામાં 2.20 ઇંચ, રાણીપમાં 1.69 ઇંચ, ચાંદખેડામાં 1.65 ઇંચ અને નવરંગપુરામાં 1.59 ઇંચ વરસાદ પડ્યો હતો. મધ્ય ઝોનના દુધેશ્વરમાં 1.95 ઇંચ અને પૂર્વના નિકોલમાં 1.81 ઇંચ તથા કઠવાડામાં 1.48 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન મોટા ભાગનો વરસાદ બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા દરમિયાન વરસ્યો હતો, જેના કારણે ખાસ કરીને ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ શહેરની સરેરાશની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ રહ્યું હતું.

Gujarat Samachar - 2026-09-13T185623.477.jpg

અમદાવાદના શહેરના ચાંદલોડિયા વોર્ડમાં ન્યુ રાણીપથી ઉમા શરણમ ફ્લેટથી આર્યન સિટી વંદે માતરમ તરફ જતા રોડ ઉપર ખાડો પડ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પડેલાં ખાડામાં કોર્પોરેશનની ડોર ટુ ડોરની ગાડી ફસાઈ છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પંચમહાલ: શહેરામાં એક મહિના બાદ વરસાદ થતાં ખેડૂતો હરખાયા

પંચમહાલના શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે બપોર બાદ વરસાદની પધરામણી થઈ. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરામાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો હતો જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જ્યારે હવે શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને બપોર બાદ કાળા દિબાંગ વાદળો વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. વરસાદી ખેંચાતા ખેડૂતોએ કરેલા પાકને નુકસાન થવાની ભિતી સેવાય હતી, ત્યારે વરસાદે પધરામણી લેતા ખેડૂતોએ કરેલા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખ છવાયો છે.

તાપી: ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં પાણી આવક વધી

તાપીમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણી આવક વધી છે. જેમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી 80,259 ક્યુસેક પાણીની આવક છે પાણીની આવક થતા ડેમની સપાટી 335.27 ફૂટ પર પહોંચી છે. ડેમમાંથી કેનાલ મારફતે 800 ક્યુસેક પાણીની જાવક છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

અમરેલી: જાફરાબાદ સહિતના તાલુકામાં વરસાદી ઝાપટાં

અમરેલીના જાફરાબાદ, ધારી, સારવકુંડલા સહિતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જેમાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ થયો છે. લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક છે. અસહ્ય ગરમી અને બફારાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના આગમનથી મગફળી અને કપાસના પાકને નવું જીવનદાન મળશે. વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતોમાં વરસાદથી ખુશીની લહેર છવાઈ છે.

12 કલાકમાં 200 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 12 કલાક દરમિયાન 200 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 3.35 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય બોટાદના બરવાળામાં 3.27 ઈંચ, નવસારીના વાંસદામાં 3.19 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 3.19 ઈંચ તો અમદાવાદ શહેરમાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકા તાલુકામાં 2.6 ઈંચ જ્યારે નર્મદાના ગરૂડેશ્વરમાં 2.48 ઈંચ વરસાદ વરસતાં નદી-નાળામાં નવા નીર આવ્યા છે.

ક્યાં-કેટલો વરસાદ

image.png
image.png
image.png
image.png
image.png