ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે: 13 જિલ્લામાં વરસાદની આગાહી, અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત માટે આગામી 4 દિવસ આફત સમાન છે. આગામી 31 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રહેવા કલેક્ટરોને આદેશ
ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ખાતે એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓની ઉંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સીધો સંવાદ સાધ્યો હતો.
અધિકારીઓની રજાઓ રદ: આર્મી, નેવી અને એરફોર્સ સ્ટેન્ડ બાય
સમીક્ષા બાદ પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ NDRF અને SDRFની ટીમોને ત્વરિત તૈનાત કરવા જણાવાયું છે. અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો(આર્મી, નેવી અને એરફોર્સ)ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
અધિક મુખ્ય સચિવે કહ્યું છે કે-
સ્થાનિક સ્તરે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લા કલેક્ટરઓ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય લઈ શકશે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં પૂર કે પાણી ભરાવાની સંભાવના વધુ હોય ત્યાંથી નાગરિકોને સમયસર અને સુરક્ષિત રીતે આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવા સૂચના આપવામાં આવી છે. આ આશ્રયસ્થાનોમાં નાગરિકો માટે ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને જરૂરી તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.
જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અપીલ
સાથે જ, વરસાદની પરિસ્થિતિ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે નાગરિકો સુધી સાચી માહિતી પહોંચે તે માટે મીડિયા સાથે સતત વિગતો શેર કરવા પણ કલેક્ટરોને સૂચના આપી છે. આ ઉપરાંત રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં જોખમી હોર્ડિંગ્સ, બેનર્સ અને સાઈનબોર્ડ્સને તાત્કાલિક અસરથી હટાવીને તે વિસ્તારોને સુરક્ષિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેજ પવન કે વાવાઝોડાને કારણે જર્જરિત મકાનો અથવા જોખમી બાંધકામોથી નાગરિકોને કોઈ હાનિ ન પહોંચે તે માટે જરૂરી તમામ સલામતીના પગલાં લેવા વહીવટી તંત્રને જણાવાયું છે. હાલમાં સમગ્ર સરકારી મશીનરીને 'ઍલર્ટ મોડ' પર મૂકી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આપત્તિજનક વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રાહત કમિશનરે રાજ્યના તમામ નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી.
અમદાવાદ-વડોદરામાં શાળા કોલેજોમાં રજા જાહેર
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા સહિત 13 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને જોતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે 31મી જુલાઈ 2026ના રોજ અમદાવાદ અને વડોદરામાં તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઈ છે. સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તેમજ કૉલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. વાલીઓ-વિદ્યાર્થીઓને તાત્કાલિક જાણ કરવા તાકીદ કરાઈ છે. અન્ય જિલ્લામાં પણ કલેકટરને સ્થિતિ મુજબ નિર્ણય લેવા સરકારે આદેશ આપ્યો છે.









