ચોમાસાની નવી પેટર્ન: સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના, જાણો 7 દિવસની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Forecast: સામાન્ય રીતે જ્યારે વાતાવરણમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ જેવી બે શક્તિશાળી હવામાન સિસ્ટમ્સ એકસાથે સક્રિય હોય ત્યારે ધોધમાર વરસાદની અપેક્ષા રખાતી હોય છે. પરંતુ ગુજરાતના વાતાવરણમાં એક આશ્ચર્યજનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, બંને સિસ્ટમ્સ હોવા છતાં હવે રાજ્યમાં વરસાદનું જોર વધવાને બદલે ઘટવાની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં માત્ર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં જ જોવા મળશે.
જોકે, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં કોઈ પણ જિલ્લા માટે ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. પરંતુ આગામી 3 દિવસ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા સાથે થન્ડરસ્ટોર્મનું એલર્ટ આપવામાં આવ્યું છે.

દિવસ 1 (16 થી 17 સપ્ટેમ્બર): ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાંની સંભાવના છે.
દિવસ 2 (17 થી 18 સપ્ટેમ્બર): ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર; જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
દિવસ 3 (18 થી 19 સપ્ટેમ્બર): અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઘણા સ્થળોએ વરસાદી માહોલ રહેશે.
દિવસ 4 (19 થી 20 સપ્ટેમ્બર): ઉત્તર ગુજરાત, સમગ્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે.
દિવસ 5, 6 અને 7 (20 થી 23 સપ્ટેમ્બર): વરસાદનું પ્રમાણ ઘટશે અને રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં માત્ર એકલ-દોકલ સ્થળોએ જ હળવા ઝાપટાં પડશે.
માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા તાકીદ
દરિયાઈ સુરક્ષા અંગે ખાસ એલર્ટ આપતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ સુધી દરિયાકાંઠા પર ચેતવણી રહેશે. દરિયાકાંઠે પવનની સરેરાશ ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક અને ઝાપટાં દરમિયાન મહત્તમ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયામાં ન જવા સખત સૂચના આપવામાં આવી છે.




