રાજકીય પાર્ટીઓના નામે 2283 કરોડના મહાકૌભાંડમાં તપાસ તેજ, ડોનેશન આપનારાઓને પણ આરોપી બનાવવામાં આવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Political Party Donation Scam: ગાંધીનગર, અમદાવાદ અને વિદ્યાનગરના સરનામા પર રજીસ્ટ્રર થયેલી ચાર રાજકીય પાર્ટીઓના પ્રમુખ અને મળતિયાઓએ રાજકીય હેતુ માટે નહીં પણ બ્લેક મનીને વાઈટ કરવા માટેના ખેલનો ઇન્કમટેક્ષ દ્વારા પર્દાફાશ કરીને દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસનો ગાળિયો માત્ર ચાર રાજકીય પાર્ટીઓના પ્રમુખ કે અન્ય આરોપીઓ પર જ નહીં પણ કરોડો રૂપિયાના બ્લેક મનીનું ડોનેશન આપનારા લોકો પર પણ કસવામાં આવશે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ ઇન્કમટેક્ષ વિભાગ પાસેથી ડોનેશન આપનારાઓની યાદી મેળવીને આ અંગે તપાસ શરૂ કરી છે. જેમાં અન્ય રાજ્યોમાંથી પણ ડોનેશનની રકમ આવી હોવાથી અન્ય રાજ્યની પોલીસની મદદ લઇને તપાસ કરવામાં આવશે.
રાજકીય પાર્ટીઓના નામે 2283 કરોડના મહાકૌભાંડમાં તપાસ તેજ
ઇન્કમટેક્ષ વિભાગ પાસેથી રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારાઓની યાદી મેળવવામાં આવી છે. અન્ય રાજકીય પાર્ટીઓ પણ શંકાના ઘેરાવામાં છે, ત્યારે અમદાવાદના નાના ચિલોડામાં આવેલા શ્રીનાથ શોપીંગ સેન્ટરના સરનામા પર રજીસ્ટ્રર થયેલી ગરીબ કલ્યાણ પાર્ટીના ધીરજ ક્ષત્રિય, નીરજ ક્ષત્રિય અને ધનજંય રાજપુત સહિતના લોકોએ પાર્ટીના નામે ડોનેશનમાં 206 કરોડની રકમ મેળવીને તેને અન્ય કંપનીઓમાં હિસાબ પેટે ટ્રાન્સફર કરીને બનાવટી બિલ અને ઇનવોઇસની મદદથી છેતરપિંડી આચરી હતી. આ મોડ્સ ઓપરેન્ડીથી ગાંધીનગર સેક્ટર-11 મેઘ મલ્હાર કોમ્પ્લેક્સનું સરનામું ઘરાવતી ભારતીય નેશનલ જનતા દળના સંચાલક સુરેન્દ્ર ગજેરા અને અન્ય આરોપીઓએ 1143 કરોડની હેરફેર કરી હતી.
જ્યારે નરોડા સૈજપુર બોઘા મહાવીરનગરમાં આવેલી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના પ્રમુખ સુરેન્દ્ર તિવારી અને અન્ય લોકોએ 519 કરોડની રકમ ડોનેશન પેટે મેળવીને ઉચાપત કરી હતી. તેમજ વિદ્યાનગરમાં આવેલી સત્યરક્ષક પાર્ટીએ 415 કરોડનું ડોનેશન લીધું હતું.
ડોનેશન આપનારાઓને પણ આરોપી બનાવવામાં આવશે
2283 કરોડના મહા કૌભાંડની તપાસ માટે સીઆઇડી ક્રાઇમ અને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં વિવિધ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારાઓને પણ આરોપી બનાવવામાં આવશે. ખાસ કરીને ઇન્કમટેક્ષ તેમના વિરૂદ્ધ ટેક્ષચોરીની કાર્યવાહી કરશે તો પોલીસ પણ ગુનામાં ધરપકડ કરવા સુધીની કાર્યવાહી કરશે. જો ડોનેશન આપનારાઓની યાદી આશરે 80 હજાર ઉપરાંતના લોકોની છે. જેથી હાલ ચોક્કસ રકમ સુધીનું ડોનેશન આપનારાઓની યાદી અલગ તારવીને તેમની પૂછપરછ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં તેમજ અન્ય રાજ્યોમાં રહેતા લોકો સામેલ છે. જેમાં બિલ્ડર, રાજકારણીઓ અને મોટા વેપારીઓ પણ હોવાનું સામે આવ્યું છે.
જો કે, આ પ્રક્રિયા વધુ ઝડપી થાય તે માટે સીઆઇડી ક્રાઇમ પોલીસ અધિકારીઓની ટીમ પણ તૈયાર કરશે. સાથેસાથે અન્ય રાજ્યોની પોલીસની મદદ પણ લેવામાં આવશે. બીજી તરફ, ઇન્કમટેક્ષ વિભાગના અન્ય રાજકીય પાર્ટીઓ હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે રિપોર્ટ તૈયાર થયા બાદ કાર્યવાહી કરવામાં આવનાર છે.




