Ahmedabad

'ગટરમાં બાળક પડી જાય તો જવાબદારી કોની?': ગટર સફાઈ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, 10 વર્ષમાં સરકારે શું કર્યું તે અંગે સવાલ

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે ગટરમાં માણસોને ઉતારી સફાઈ કરાવવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી. 2013થી 122 ઘટનાઓ બની હોવા છતાં, સરકારે 10 વર્ષમાં શું પગલાં લીધા તેવો તીખો સવાલ કર્યો. 'ઈમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ' બનાવવાની અને ખુલ્લા મેનહોલમાં બાળક પડે તો કોણ જવાબદાર તે અંગે ચર્ચા થઈ. વધુ સુનાવણી 18મી તારીખે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગટરમાં બાળક પડી જાય તો જવાબદારી કોની?': ગટર સફાઈ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, 10 વર્ષમાં સરકારે શું કર્યું તે અંગે સવાલ

Gujarat High Court Manual Scavenging Hearing: ગુજરાતમાં ગટરમાં માણસોને ઉતારીને સફાઈ કરાવવાના ગંભીર અને અમાનવીય પ્રથા સામે હાઈકોર્ટમાં આજે મહત્ત્વની સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યમાં હજુ પણ ચાલતી ગટર સફાઈની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અમે ઈચ્છીએ છીએ કે આખા રાજ્યમાં એક પણ જગ્યાએ માણસને ગટરમાં ઉતારી શકાશે નહીં."

10 વર્ષમાં સરકારે શું પગલાં લીધા?: હાઈકોર્ટનો તીખો સવાલ

સુનાવણી દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે વર્ષ 2013થી લઈને અત્યાર સુધીમાં ગટર સફાઈ દરમિયાન દુર્ઘટનાના 122 જેટલા બનાવો બની ચૂક્યા છે. દેશની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી U.N. મહેતા હોસ્પિટલમાં જ આવી ઘટના બને તે અત્યંત શરમજનક છે.

સામે પક્ષે સરકારે રજૂઆત કરી હતી કે ઘટના બાદ કન્ટ્રાક્ટરની બેંક ગેરેંટી જપ્ત કરી લેવામાં આવી છે. જોકે, કોર્ટે આ કાર્યવાહીને અપૂરતી ગણાવતાં સરકારને સવાલ કર્યો હતો કે, "છેલ્લા 10 વર્ષમાં આવી ઘટનાઓ રોકવા સરકારે શું નક્કર પગલાં લીધા છે?"

'ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ' બનાવવા મુદ્દે ચર્ચા

અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આવી ઘટનાઓ વખતે તાત્કાલિક મદદ માટે 'ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ'ની રચના થવી જોઈએ, જે અંગે સરકાર પાસે હાલ કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. જેના પર કોર્ટે ટિપ્પણી કરી હતી કે આવી વ્યવસ્થા ઊભી કરવાની પ્રાથમિક જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. કોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે, "હાઈકોર્ટમાંથી જ આ યુનિટને ફોન કરીને કહો કે ગટર બ્લોક છે, પછી જોઈએ કે તેઓ સમયસર આવે છે કે નહીં!"

બાળક પડી જાય તો કોણ જવાબદાર?

સુનાવણીના અંતે હાઈકોર્ટે અત્યંત સંવેદનશીલ સવાલ ઉઠાવ્યો હતો કે, "જો ખુલ્લા મેનહોલમાં કોઈ નાનું બાળક પડી જાય તો તેની જવાબદારી કોની રહેશે?" કોર્ટે અરજદારને પણ આક્ષેપો કરવાને બદલે સમસ્યાના કાયમી ઉકેલ માટે સુચનો આપવા જણાવ્યું હતું. આ ચર્ચિત મામલે હાઈકોર્ટે વધુ સુનાવણી 18મી તારીખ પર મુકરર કરી છે.