Ahmedabad

અમદાવાદ: ગટરની સફાઈમાં કામદારોના મોત મામલે હાઇકોર્ટ લાલઘૂમ, સરકારને પૂછ્યું- પ્રતિબંધના કાયદાનો અમલ કેમ નહીં?

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં UN મહેતા હોસ્પિટલના કેમ્પસમાં ગટર સફાઈ કરતા 2 કામદારોના મોત મામલે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. રાજ્યભરમાં મશીનરીના બદલે માણસો ઉતારી સફાઈ કરાવવાની પ્રથા સામે PILની સુનાવણીમાં કોર્ટે સરકારને અત્યાર સુધી આવા બનાવોમાં કેટલી FIR થઈ, તેની વિગતો સોગંદનામા પર રજૂ કરવા આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગટરની સફાઈમાં કામદારોના મોત મામલે હાઇકોર્ટ લાલઘૂમ, સરકારને પૂછ્યું- પ્રતિબંધના કાયદાનો અમલ કેમ નહીં?

Ahmedabad News: સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ગટર સફાઈ દરમિયાન 2 સફાઈ કામદારોના ગૂંગળામણથી મોત થયા હતા. આ કરુણ મોતના મામલાની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. રાજ્યભરમાં ગટરમાં મશીનના બદલે માણસોને ઉતારીને સફાઇ કરાવવાની પ્રથા સામે થયેલી જાહેરહિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન આ ઘટના કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા સરકાર પાસે જવાબ માગ્યો છે કે અત્યાર સુધી આવા બનાવોમાં જવાબદારો સામે કેટલી FIR નોંધવામાં આવી છે? તેની વિગતો કોર્ટે માગી છે.

મશીનો કાગળ પર, ગટરમાં તો માણસો જ ઉતરે છે

PILની સુનાવણી દરમિયાન અરજદાર સુબ્રમણ્યમ ઐયરે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકાર કોર્ટમાં એવી રજૂઆતો કરે છે કે ગટર સાફ કરવા માટે આધુનિક મશીનરી ખરીદવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ ગટર સફાઇ માટે માણસોને જ અંદર ઉતારવા માટે ફરજ પાડવામાં આવે છે. તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનેલી આ ઘટના તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, સરકાર કેટલા મશીન ખરીદ્યા તેના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરે છે તેનો મતલબ જ શું છે જો જમીની હકીકત બદલાતી ન હોય?

image (50).png

હાઇકોર્ટે તમામ રજૂઆતો સોગંદનામા પર કરવા આદેશ આપ્યો

માનવ ગરિમા નામના NGO (સ્વૈચ્છિક સંસ્થા) દ્વારા કરવામાં આવેલી આ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે તમામ રજૂઆતોને સોગંદનામા પર રજૂ કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે આ પ્રકારના જેટલા પણ બનાવો બન્યા છે, તે તમામ સ્થળોએ બેદરકારી દાખવનારા જવાબદારો સામે કેટલી FIR નોંધાઈ છે તેની સ્પષ્ટ વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ મામલે વધુ સુનાવણી હવે 1 મહિના બાદ મુકરર કરવામાં આવી છે.

2013 ના કાયદાના કડક અમલ અંગે હાઇકોર્ટની પૃચ્છા

અગાઉની સુનાવણી દરમિયાન પણ હાઈકોર્ટે સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "સરકાર અમુક પીડિતોને વળતર આપે અને અમુકને છોડી દે તે બિલકુલ ન ચલાવી લેવાય." કોર્ટે સરકાર પાસે એવો જવાબ પણ માગ્યો હતો કે, વર્ષ 2013 ના "પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ" (માણસ દ્વારા ગટર સફાઈ પર પ્રતિબંધનો કાયદો) હોવા છતાં તેનો ચુસ્ત અમલ કેમ કરવામાં નથી આવી રહ્યો?

આ પણ વાંચો: અમદાવાદ: શાસ્ત્રીનગરમાં AMCના ખાડા પાસે સ્કૂલ બસ પાછળ મોપેડ ઘૂસી જતાં 21 વર્ષના યુવકનું કરુણ મોત

નોંધનીય છે કે, વર્ષ 2016 માં હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામતા દરેક સફાઈ કામદારના પરિવારને ₹10 લાખનું વળતર ચૂકવવામાં આવે. હાઇકોર્ટે સરકાર પાસેથી બાકી રહેલી વળતરની ચૂકવણી અંગેનો વિગતવાર અહેવાલ પણ માગ્યો છે.