અમદાવાદ: શાસ્ત્રીનગરમાં AMCના ખાડા પાસે સ્કૂલ બસ પાછળ મોપેડ ઘૂસી જતાં 21 વર્ષના યુવકનું કરુણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident | અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે એક હૃદય કંપાવનારો ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતાં રોડ પર એક ઈલેક્ટ્રિક મોપેડ સવાર યુવક સ્કૂલ બસના પાછળના ટાયરમાં ઘૂસી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તો લોહીલુહાણ થઈ ગયો હતો. મૃતક યુવકની ઉંમર આશરે 20થી 21 વર્ષની હોવાનું અને તેનું નામ યુવરાજ હોવાનું સામે આવ્યું છે.

AMC દ્વારા ખાડો ખોદેલો હતો ત્યાંજ અકસ્માત થયો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતા રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા આશરે 1 અઠવાડિયા પહેલા પાઇપલાઇના કામ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ કામ હજુ સુધી પૂરું ન થતાં ખાડો એમ જ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ આ ખાડાની બાજુમાંથી ડાબી તરફ ટર્ન લઈ રહી હતી. તે સમયે બસની પાછળ આવી રહેલા મોપેડ સવાર યુવરાજે અચાનક શોર્ટ બ્રેક મારવી પડી હતી. બ્રેક મારતા જ મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને યુવક સીધો બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો હતો.

બાળકો ભરેલી DPS બસ મૂકી ડ્રાઇવર-કંડક્ટર ફરાર
આ અકસ્માત દિલ્હી પબ્લિક સ્કૂલ(DPS)ની બસથી થયો હતો, જેમાં શાળાના બાળકો પણ સવાર હતા. અકસ્માત સર્જાયા બાદ બસચાલક અને કંડક્ટર માનવતા ભૂલીને બાળકો ભરેલી બસને ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર ડ્રાઇવર-કંડક્ટરની શોધખોળ શરૂ કરી છે, જ્યારે તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બોપલ સ્થિત DPS સ્કૂલનું સત્તાવાર નિવેદન
ડીપીએસ બોપલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી એક બસ અને મોપેડ ચાલક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માત અંગે સ્કૂલ મેનેજમેન્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે સ્કૂલ મેનેજમેન્ટે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તમામ વાલીઓ અને નાગરિકોને ખાતરી આપવા માંગીએ છીએ કે બસમાં સવાર તમામ બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત અને હેમખેમ છે. અકસ્માત બાદ તુરંત જ તમામ બાળકોને વૈકલ્પિક વાહન વ્યવસ્થા દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલી દેવાયા છે.
આ ઉપરાંત દુર્ઘટનામાં સામેલ બસ સ્કૂલની માલિકીની નથી, પરંતુ તે એક સ્વતંત્ર થર્ડ-પાર્ટી ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સંચાલિત કરાય છે. હાલ સ્કૂલ મેનેજમેન્ટ આ ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઇડર પાસેથી ઘટના અંગેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી રહ્યું છે. આ સાથે જ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી સ્થાનિક પોલીસ અને સત્તાધિશોને શાળા તરફથી પૂરેપૂરો સહયોગ આપવામાં આવી રહ્યો છે.









